હવે દેશની કેન્દ્રીય બેન્ક રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાને ધમકી આપવામાં આવી છે. શુક્રવારે (13 ડિસેમ્બર) બેન્કને એક ધમકીભર્યો મેલ મળ્યો હતો. જેમાં રશિયન ભાષા વાપરવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
મેઇલ RBIની અધિકારિક વેબસાઇટ પર મળ્યો હતો, જેમાં બેન્કમાં બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી. મુંબઈ પોલીસે તેની પુષ્ટિ કરી છે.
મુંબઈ પોલીસ ઝોન 1 ડીસીપીએ જણાવ્યું કે, RBIની અધિકારિક વેબસાઇટ પર એક ધમકીભર્યો મેલ મળ્યો હતો. જે રશિયન ભાષામાં છે અને તેમાં બેન્ક ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. માતા રામબાઈ માર્ગ પોલીસ મથકે અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને હાલ તપાસ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે આ જ દિવસે દિલ્હીની છ શાળાઓને ફરી એક વખત બૉમ્બની ધમકી આપવામાં આવી હતી, જેના કારણે પોલીસ દોડતી થઈ ગઈ હતી.