Monday, March 10, 2025
More

    અમદાવાદ એરપોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી: જેદ્દાહથી આવતી ઇન્ડિગોની ફ્લાઇટમાં મળી ચિઠ્ઠી, તપાસ શરૂ

    અમદાવાદ એરપોર્ટને (Ahmedabad Airport) બૉમ્બથી (Bomb Threat) ઉડાવી દેવાની ધમકી મળી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, જેદ્દાહથી અમદાવાદ આવતી ઇન્ડિગોની ફ્લાઇટમાં એક ચિઠ્ઠી મળી આવી છે. જેમાં કહેવાયું છે કે, અમદાવાદના એરપોર્ટને બૉમ્બથી ઉડાવી દેવામાં આવશે. ઘટનાને પગલે સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી છે.

    સુરક્ષા એજન્સીઓ દ્વારા ફ્લાઇટમાં બેસેલા તમામ યાત્રિકોને બહાર કાઢવામાં આવ્યા છે અને ચિઠ્ઠી લખનારાની ઓળખ માટે તમામ રાઇટિંગ સેમ્પલ લેવાનો નિર્ણય કરાયો છે. હાલ પોલીસ આ ઘટનાને પગલે તપાસ કરી રહી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ સાથે જ ઉચ્ચ અધિકારીઓ પણ એરપોર્ટ દોડી આવ્યા હોવાનું સામે આવ્યું છે.

    ધમકીભરી ચિઠ્ઠી સાફસફાઇ સમયે ફ્લાઇટમાં મળી આવી હતી. જેમાં એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ચિઠ્ઠીને પણ FSL માટે મોકલવામાં આવી હોવાનું સામે આવ્યું છે.