Sunday, February 2, 2025
More

    શરીર પર કપડાં નહીં, હાથ-પગ બાંધેલા, આંખો ખેંચી લીધેલી…અયોધ્યામાં ગુમ થયેલી દલિત યુવતીનો મળ્યો મૃતદેહ, રેપ બાદ હત્યાની આશંકા

    ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શનિવારે (1 ફેબ્રુઆરી) 22 વર્ષની દલિત યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. લાશ નગ્ન હતી. શરીરના ઘણા હાડકાં તૂટી ગયા હતા અને તેની આંખો પણ ખેંચી લેવાઈ હતી. આ ઉપરાંત હાથ-પગ દોરડાથી બાંધેલા હતા. શરીર પર અન્ય ઘણી જગ્યાએ ઈજાના નિશાન પણ જોવા મળ્યા છે. યુવતી પર ગેંગરેપ કર્યા બાદ તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. મૃતદેહની હાલત જોઈને ઘણી મહિલાઓ બેહોશ પણ થઈ ગઈ હતી.

    ઘટનાની વિગતો અનુસાર, 31 જાન્યુઆરીએ અયોધ્યાના દર્શન નગર પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે, 30 જાન્યુઆરીની રાત્રે તે તેની બહેન સાથે સૂતી હતી, પરંતુ જ્યારે તે સવારે જાગી તો તેની બહેન તેની સાથે નહોતી. જે બાદ 1 ફેબ્રુઆરીના રોજ ખેતરમાંથી તેની લાશ મળી આવી છે. પોલીસનું કહેવું છે કે, હત્યા અન્ય જગ્યાએ કરવામાં આવી હતી અને લાશને ખેતરમાં ફેંકી દેવામાં આવી હતી. પોલીસે આરોપીઓને પકડવા માટે ત્રણ ટીમો બનાવી છે.

    પોલીસ અધિકારીનું કહેવું છે કે, આ કેસમાં એક શંકાસ્પદની અટકાયત કરવામાં આવી રહી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે આ કેસમાં ફોરેન્સિક ટીમને બોલાવીને કેટલાક મહત્વના પુરાવા એકત્ર કર્યા છે. પોલીસનું કહેવું છે કે, તેઓ ટૂંક સમયમાં આ મામલે વધુ ખુલાસા કરશે અને આરોપીઓને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સજા કરાવશે.