Sunday, March 23, 2025
More

    મહારાષ્ટ્રના ભંડારામાં આયુધ ફેકટરીમાં ભીષણ આગ: વિસ્ફોટથી છત ઉડી, અનેક ફસાયા હોવાનું અનુમાન, યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલુ

    મહારાષ્ટ્રના (Maharashtra) ભંડારા જિલ્લાના જવાહરનગર (Javaharnagar) ખાતે આવેલી આયુધ ફેક્ટરીમાં વિસ્ફોટ સાથે આગ (Blast And Fire) લાગવાની ઘટના સામે આવી છે. ઘટનાસ્થળ પર 15થી વધુ લોકો ફસાયા હોવી માહિતી મળી રહી છે. આગ લાગવાનું કારણ હજુ સુધી નથી જાણી શકાયું, પ્રશાસન દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર જવાહરનગર સ્થિત આયુધ ફેકટરીમાં સવારે દસ વાગ્યે વિસ્ફોટ સાથે આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ વિસ્ફોટ ફેક્ટરીના આર.કે બ્રાંચ સેક્શનમાં થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સામે આવેલી માહિતી અનુસાર વિસ્ફોટ એટલો ભયાવહ હતો કે ફેક્ટરીની એક તરફની છત ધસી પડી હતી. અહીં 15થી વધુ લોકો ફસાયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

    અત્યાર સુધી સામે આવેલી માહિતી અનુસાર અહીંથી 2 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે, સ્થાનિક અને આસપાસની ફાયર બ્રિગેડ તેમજ પોલીસ પ્રશાસન ઘટનાસ્થળ પર હાજર છે. હાલ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે. ફસાયેલા લોકોમાં કેટલાંકનાં મૃત્યુ થયાં હોવાની આશંકા પ્રશાસનને છે, જોકે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી સામે આવી શકી નથી.

    જોકે કેટલાક અહેવાલોમાં 8 લોકોનાં મોત નીપજ્યાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ સત્તાવાર માહિતી કે જાહેરાત થયા બાદ જ કશું કહી શકાશે. આ વિસ્ફોટ એટલો મોટો હતો કે દૂર સુધીના વિસ્તારોમાં તેને સાંભળી શકાયો હતો. હાલ ફેક્ટરીમાંથી ઉઠી રહેલા ધુમાડાના ગોટેગોટા અનેક કિલોમીટર દૂરથઈ જોઈ શકાય છે. મહારાષ્ટ્રની આ ઘટનાના કેટલાક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.