Sunday, April 13, 2025
More

    પાકિસ્તાનમાં વધુ એક બ્લાસ્ટ: ખૈબર પખ્તુનખ્વાની મસ્જિદમાં જુમ્માની નમાજ દરમિયાન વિસ્ફોટ, મૌલાના સહિત ચારને ઈજા

    પાકિસ્તાનના (Pakistan) ખૈબર પખ્તુનખ્વાના દક્ષિણ વઝીરિસ્તાનની એક મસ્જિદમાં (Bomb Blast in Mosque) 14 માર્ચના રોજ જુમ્માની નમાજ દરમિયાન બૉમ્બ વિસ્ફોટ થયો હતો. આ હુમલામાં જમિયત ઉલેમા-એ-ઇસ્લામના (JUI) જિલ્લા પ્રમુખ અબ્દુલ્લા નદીમ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જ્યારે અન્ય ત્રણ લોકોને ઇજાઓ થઈ હતી.

    અહેવાલ મુજબ, જિલ્લા પોલીસ અધિકારી આસિફ બહાદુરે જણાવ્યું હતું કે વિસ્ફોટ આઝમ વારસક બાયપાસ રોડ પર મૌલાના અબ્દુલ અઝીઝ મસ્જિદમાં થયો હતો. બપોરે 1:45 વાગ્યે મસ્જિદમાં એક ઇમ્પ્રુવાઇઝ્ડ વિસ્ફોટક ઉપકરણ (IED) મૂકવામાં આવ્યું હતું, જે શુક્રવારની નમાજ દરમિયાન વિસ્ફોટ થયું.

    DPOના જણાવ્યા અનુસાર, ઘટનામાં જમીયત ઉલેમા-એ-ઇસ્લામના જિલ્લા અધ્યક્ષ અબ્દુલ્લાહ નદીમ સહિત ચાર વ્યક્તિઓને ઈજા પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક જિલ્લા મુખ્યાલયની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે વિસ્ફોટ સ્થળ પર તપાસ શરૂ કરવામાં આવી છે અને પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. સુરક્ષા એજન્સીઓ આ ઘટના પાછળના સંભવિત હુમલાખોરોને શોધી રહી છે.

    ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં સક્રિય બલોચ લિબરેશન આર્મીએ તાજેતરમાં જ એક ટ્રેન હાઈજેક કરી લીધી હતી, જે દુનિયાભરમાં સમાચાર બન્યા. બીજી તરફ ઉત્તર-પશ્ચિમના પ્રાંત ખૈબર પખ્તુનખ્વાના પણ ઘણા વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી અરાજકતનો માહોલ રહે છે. તાજેતરના ભૂતકાળમાં અહીં આવા અનેક બૉમ્બ બ્લાસ્ટ થયા છે. થોડા સમય પહેલાં જ પખ્તુનખ્વાની જ એક મસ્જિદમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં એક મૌલાનાનું મોત થયું હતું. હવે જુમ્માની નમાજ દરમિયાન આવી વધુ એક ઘટના બની છે.