Friday, February 28, 2025
More

    પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાની મદરેસામાં શુક્રવારની નમાજ દરમિયાન બ્લાસ્ટ, મૌલાના સહિત 4નાં મોત

    પાડોશી દેશ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના નૌશેરા જિલ્લામાં આવેલી એક મદરેસામાં બ્લાસ્ટ થયો, જેમાં 4 વ્યક્તિઓનાં મોત થયાં હોવાના સમાચાર છે. અન્ય અનેક લોકોને ઈજા પણ પહોંચી છે. 

    શુક્રવારની નમાજ દરમિયાન આ વિસ્ફોટ થયો, જેમાં દારુલ ઉલુમ હક્કાનિયા મદરેસાના મૌલાના હમીદુલ હક્ક સહિત ચાર લોકોનાં મોત થયાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. 

    સ્થાનિક પોલીસ અનુસાર, આ આત્મઘાતી હુમલો હતો, જેમાં ત્રણ પોલીસકર્મીઓને પણ ઈજા પહોંચી છે. બ્લાસ્ટ મદરેસાના મુખ્ય હોલમાં થયો, જ્યાં શુક્રવારની નમાજ ચાલી રહી હતી. પોલીસને આશંકા છે કે હુમલો કરનારનો મુખ્ય ટાર્ગેટ મૌલાના હતો. ઘટના એવા સમયે બની છે જ્યારે આવતીકાલથી રમજાન શરૂ થઈ રહ્યો છે. 

    બ્લાસ્ટ બાદની ઘણી તસવીરો પણ સામે આવી છે, જેમાં અફરાતફરીનો માહોલ અને કાટમાળ જોઈ શકાય છે. ઘટના બાદ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને રેસ્ક્યુ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સરકારે પેશાવરની તમામ હોસ્પિટલોમાં ઇમરજન્સી ઘોષિત કરી છે. 

    આ બ્લાસ્ટ એવા સમયે થયો છે, જ્યારે પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી ચાલી રહી છે. ICCની આ ટુર્નામેન્ટ આ વખતે પાકિસ્તાનમાં યોજવામાં આવી છે અને વિશ્વભરના અનેક દેશોની ટીમો હાલ પાકિસ્તાનમાં છે. જોકે ભારતને પાકિસ્તાનની સુરક્ષા વ્યવસ્થા પર અને તેની કરતૂતો પર લેશમાત્ર વિશ્વાસ ન હોવાના કારણે BCCIએ ત્યાં જવાનો ઇનકાર કરી દીધો હતો, જેથી ભારતની તમામ મેચ દુબઈમાં રમાઈ રહી છે.