Friday, December 6, 2024
More

    પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પર બૉમ્બ બ્લાસ્ટ, 20નાં મોત

    પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એક રેલવે સ્ટેશન પર બ્લાસ્ટ (Blast) થતાં 20 વ્યક્તિઓનાં મોત થયાં છે. આ ઘટના ક્વેટાના રેલવે સ્ટેશન (Quetta Railway Station) પર બની. ઘટનામાં 30 વ્યક્તિઓને ઈજા પણ પહોંચી છે. 

    બ્લાસ્ટ શનિવારે (9 નવેમ્બર) સવારે થયો. તે સમયે ટ્રેન પ્લેટફોર્મ પરથી પેશાવર માટે રવાના થવાની તૈયારીમાં હતી. 

    ક્વેટા સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઑફ પોલીસ મોહમ્મદ બલોચે જણાવ્યું હતું કે, આ સ્યુસાઇડ બ્લાસ્ટ હોય શકે છે, પરંતુ હકીકત તપાસ બાદ જ જાણવા મળશે. તેમણે બ્લાસ્ટ કેવા પ્રકારનો હતો તે જાણવા માટે તપાસ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. સાથે કહ્યું કે, ઘટના બની ત્યારે સ્થળ પર 100 વ્યક્તિઓ હાજર હતા. 

    સરકારના પ્રવક્તા તરફથી જણાવવામાં આવ્યું કે, બ્લાસ્ટ બાદ નજીકની તમામ હોસ્પિટલોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે અને ઈજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી રહી છે. બીજી તરફ, બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વાડ પણ સ્થળ પર પહોંચી હતી અને પુરાવા એકઠા કર્યા હતા. 

    બ્લાસ્ટની જવાબદારી હજુ સુધી કોઈ સંગઠને લીધી નથી.