Wednesday, March 12, 2025
More

    પાકિસ્તાનના કઈ રીતે હાઇજેક થઈ ટ્રેન? બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ વિડીયો શૅર કરીને દુનિયાને જણાવ્યું

    પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં મંગળવારે (11 માર્ચ) BLAએ એક ટ્રેન હાઈજેક કરી લીધી હતી. ટ્રેનનું નામ જાફર એક્સપ્રેસ હતું. તેમાં 100થી વધુ મુસાફરોને બંધક બનાવવામાં આવ્યા હોવાનો સંગઠનનો દાવો છે. જોકે, હવે ટ્રેન હાઈજેકનો વિડીયો પણ સામે આવ્યો છે. બલૂચિસ્તાન સમર્થક સંગઠનોએ તે વિડીયો શેર કર્યો છે, જેમાં હુમલાના અને ટ્રેન પર કબજો કર્યો હોવાના દ્રશ્યો બતાવવામાં આવ્યા છે.

    એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ BLA તરફથી જાહેર કરવામાં આવેલો વિડીયો છે. વાયરલ વિડીયોમાં એક ટ્રેનને પહાડી વિસ્તારમાંથી પસાર થતી દર્શાવવામાં આવી છે. થોડા સમય બાદ જ ટ્રેનના એન્જિનના ભાગ પર બ્લાસ્ટ થાય છે અને ધુમાડાના ગોટા નીકળવા લાગે છે. વિડીયોમાં એક ટેકરા પર બલોચ લડવૈયાને પણ દેખાડવામાં આવ્યો છે.

    વધુમાં જોવા મળી રહ્યું છે કે, ટ્રેક પર બ્લાસ્ટ થયા બાદ ટ્રેન રોકી દેવાઈ હતી અને ત્યારબાદ કેટલાક હથિયારધારી લોકો ટ્રેન પાસે જોવા મળ્યા હતા. સંભવતઃ તેઓ યાત્રિકોને બંધક બનાવી રહ્યા હતા. તે હથિયારધારી લોકોને બલૂચિસ્તાન લિબરેશન આર્મીના જવાનો કહેવામાં આવી રહ્યા છે.

    આ સાથે જ BLAએ પણ દાવો કર્યો છે કે, તેમના ફાઇટરોએ પહેલાં ટ્રેક ઉડાવી દીધો હતો અને ત્યારબાદ ટ્રેન પર કબજો કરી લીધો હતો. સમૂહે કર્યું છે કે, તેમણે કેટલાક પાકિસ્તાની સેનાના જવાનોની હત્યા પણ કરી નાખી છે અને સુરક્ષાકર્મીઓ સહિત 100થી વધુ લોકો તેમની કસ્ટડીમાં છે. વધુમાં ચેતવણી આપવામાં આવી છે કે, જો પાકિસ્તાની સેના કોઈ ઓપરેશન લૉન્ચ કરશે તો તમામને મારી નાખવામાં આવશે.