જાફર એક્સપ્રેસ ટ્રેન હાઈજેક કરી લીધા બાદ બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ એક તાજા નિવેદનમાં જણાવ્યું છે કે તેમણે 182 વ્યક્તિઓને બંધક બનાવી રાખ્યા છે અને 20 પાકિસ્તાની સેનાના જવાનોને ઠાર કરી દેવામાં આવ્યા છે.
એક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, જાફર એક્સપ્રેસને કબજામાં લઈ લીધા બાદ બલોચ લિબરેશન આર્મીએ 182 વ્યક્તિઓને છેલ્લા 6 કલાકથી બંધક બનાવી રાખ્યા છે. આ ઑપરેશન દરમિયાન વધુ આઠ પાકિસ્તાની સેનાના આઠ કર્મચારીઓને મારી નાખવામાં આવ્યા, જેનાથી મૃત્યુ પામેલાઓનો કુલ આંકડો 20 પર પહોંચ્યો છે.

BLAએ આ હાઈજેકને ‘ઑપરેશન’ ગણાવીને કહ્યું કે, આ દરમિયાન પાકિસ્તાની વાયુસેના સાથે લડાઈ ચાલી રહી છે અને અમારા લડવૈયાઓ એન્ટી એરક્રાફ્ટ હથિયારોનો ઉપયોગ કરી રહ્યા છે. સંગઠને જણાવ્યું કે તેમના માણસો પાકિસ્તાની સેના સામે સતત લડત આપી રહ્યા છે અને મોટી સેનાને પડકાર ફેંકી રહ્યા છે.
BLAનું કહેવું છે કે આ ઑપરેશનમાં અત્યાર સુધીમાં તેમનો એક પણ માણસ મરાયો નથી કે ન કોઈને ઈજા પહોંચી છે. તમામ બંધકો હાલ BLAના ફિદાયીન યુનિટની કસ્ટડીમાં છે. જે યુનિટને સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે કે જો પાકિસ્તાન સેના બંધકો સુધી પહોંચવાના પ્રયાસ કરશે તો તમામ બંધકોને મારી નાખવામાં આવશે અને ફિદાયીનો મૃત્યુ પામે ત્યાં સુધી લડત આપવાનું ચાલુ રાખશે.
નિવેદન 11 માર્ચના રોજ બલોચ લિબરેશન આર્મીના પ્રવક્તા જિયાન્દ બલોચ દ્વારા આપવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે મંગળવારે (11 માર્ચ) વિદ્રોહી જૂથ બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ પાકિસ્તાનના બલૂચિસ્તાનના ક્વેટાથી ખૈબર પખ્તુનખ્વાના પેશાવર જતી જાફર એક્સપ્રેસ ટ્રેન હાઈજેક કરી લીધી હતી. ટ્રેન ટનલમાં હતી ત્યારે જ હુમલો કરી દેવામાં આવ્યો હતો. તે સમયે ટ્રેનમાં 400 મુસાફરો હતા. જોકે પછીથી BLAએ મહિલાઓ અને બાળકોને મુક્ત કરી દીધાં. સાથે બલોચ નાગરિકો પણ મુક્ત કરી દેવામાં આવ્યા છે. હવે બચ્યા છે એ મોટાભાગના સૈન્ય કર્મચારીઓ છે. આમ તો મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે કે પાકિસ્તાની સેના એરસ્ટ્રાઇક કરવા જઈ રહી છે, પણ સંગઠન ચેતવણી આપી ચૂક્યું છે કે આવું કશુંક કર્યું તો તેઓ બંધકોને મારી નાખશે.