Sunday, March 23, 2025
More

    BLAના ક્રાંતિકારીઓએ બલૂચિસ્તાનમાં ચીની પ્રોજેક્ટના કાફલા પર કર્યો હુમલો: 7 પાકિસ્તાની સૈનિકોના મોત, 11 ઘાયલ અને 29 ટ્રક બળીને ખાખ

    પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં (Balochistan) ભારેલા અગ્નિ જેવી સ્થિતિ દેખાઈ રહી છે. ખાસ કરીને પાકિસ્તાન માટે તે માથાનો દુઃખાવો બનતું જઈ રહ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, બલૂચ લિબરેશન આર્મી એટલે કેવી BLAના (Baloch Liberation Army) ક્રાંતિકારીઓએ મંગળવારે (25 ફેબ્રુઆરી) બલૂચિસ્તાનના કલાતમાં સૈનડક માઇનિંગ પ્રોજેક્ટ સાથે જોડાયેલા ચીની કાફલા પર ઘાતક હુમલો કરી દીધો છે.

    આ હુમલામાં પાકિસ્તાનના ઓછામાં ઓછા 7 સૈનિકો માર્યા ગયા છે અને 11 સૈનિકો ઘાયલ થયા છે. આ સાથે જ કાફલામાં રહેલા 29 ટ્રક પણ બળીને ખાખ થઈ ગયા છે. BLAએ બલૂચિસ્તાનમાં કામ કરી રહેલી એક ચીની કંપની સાથે જોડાયેલા 30 વાહનોના કાફલાની સુરક્ષા કરી રહેલ પાકિસ્તાન સેનાની ટુકડીને ટાર્ગેટ કરી હતી.

    BLA અનુસાર, આ ઓપરેશન ખૂબ સુનિયોજિત રીતે કરવામાં આવ્યું હતું. BLAના ક્રાંતિકારીઓએ પહેલાં કાફલાની સુરક્ષા કરી રહેલા સૈન્ય વાહનને રિમોટ કંટ્રોલ IEDથી નિશાન બનાવ્યું હતું, જેના કારણે વાહન બળીને ખાખ થઈ ગયું હતું. જે બાદ આધુનિક હથિયારોથી પાકિસ્તાની સેના પર હુમલો કરવામાં આવ્યો હતો.

    બલૂચ આર્મીએ કહ્યું કે, આ હુમલા દરમિયાન એક ડ્રાઈવરને પકડી પાડવામાં આવ્યો હતો, પરંતુ તે બલૂચ હોવાના કારણે તેને ચેતવણી આપીને છોડી મૂકવામાં આવ્યો હતો.આ સાથે જ BLAએ ચીની કંપનીને આ શોષણકારી પ્રોજેક્ટ છોડીને નીકળી જવાની ચેતવણી પણ આપી છે. સાથે કહ્યું કે, જે કંપની આવી શોષણકારી યોજનાનો ભાગ બનશે તેને હુમલા માટે તૈયાર રહેવું.