છત્તીસગઢની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે શાનદાર જીત મેળવી છે. રાજ્યની તમામ 10 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ જીતીને ભાજપે કોંગ્રેસને પરાજય આપ્યો છે. આ ઉપરાંત, નગર પરિષદો અને નગર પંચાયતોમાં પણ ભગવો આગળ છે. ભાજપે રાયગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ કોંગ્રેસને હરાવીને જીત મેળવી છે. ભાજપના મેયર ઉમેદવાર જીવર્દન ચૌહાણ, જે ચાની દુકાન ચલાવે છે, તેઓ અહીંથી જીત્યા છે.
રાયગઢ મ્યુનિસિપલ ચૂંટણીમાં ભાજપે 33 વોર્ડમાં જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસ 12 વોર્ડમાં સમેટાઈ ગઈ છે. બહુજન સમાજ પાર્ટીના (BSP) ઉમેદવાર એક વોર્ડમાં જીત્યા છે. આ સાથે 2 અપક્ષ ઉમેદવારો પણ જીત્યા છે. રાયગઢમાં લગભગ 69.68% ટકા મતદાન થયું હતું. અહીં મેયર પદ માટે 7 ઉમેદવારો અને વોર્ડ કાઉન્સિલર પદ માટે 144 ઉમેદવારો મેદાનમાં હતા.
રાયપુરમાં 15 વર્ષ પછી ભાજપની વાપસી થઈ છે. ભાજપે મહાનગરપાલિકાની તમામ 10 બેઠકો જીતી લીધી છે. ભાજપે 49 નગરપાલિકાઓમાંથી 36 બેઠકો પણ જીતી છે, જ્યારે કોંગ્રેસે 7, AAPએ 1 અને 5 અપક્ષોએ જીત મેળવી છે. નોંધનીય છે કે, 10 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં મેયર અને કાઉન્સિલરોની સાથે 49 મ્યુનિસિપાલિટી અને 114 નગર પંચાયતો સહિત 173 શહેરી સંસ્થાઓના પ્રમુખો અને કાઉન્સિલરોની ચૂંટણીઓ યોજાઈ હતી.