Tuesday, March 25, 2025
More

    અયોધ્યાના મિલ્કીપુરથી ભાજપે ચંદ્રભાન પાસવાનને આપી ટિકિટ: સપા સાંસદ અવધેશના પુત્ર અજીત સામે થશે ટક્કર

    ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) અયોધ્યા (Ayodhya) જિલ્લામાં મિલ્કીપુર (Milkipur) વિધાનસભા પેટાચૂંટણી માટે ભાજપે પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. ભાજપે (BJP) ચંદ્રભાન પાસવાનને (Chandrabhan Paswan) પોતાના ઉમેદવાર બનાવ્યા છે. મિલ્કીપુરમાં મતદાન 5 ફેબ્રુઆરી, 2025 ના રોજ થવાનું છે અને પરિણામો 8 ફેબ્રુઆરી, 2025ના રોજ જાહેર કરવામાં આવશે.

    ચંદ્રભાન પાસવાનનો મુકાબલો સપાના અજિત પ્રસાદ સામે થશે, જે સાંસદ અવધેશ પ્રસાદના પુત્ર છે. ભાજપે ચંદ્રભાન પાસવાનને પોતાના ઉમેદવાર તરીકે પસંદ કરીને અજિત પ્રસાદની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે, કારણ કે, તેઓ પણ પાસી સમુદાયના છે. આ બેઠક પર પાસી સમુદાયના મતો સૌથી વધુ છે.

    મિલ્કીપુરમાં ટિકિટની રેસમાં ભૂતપૂર્વ ધારાસભ્ય બાબા ગોરખનાથ, રામુ પ્રિયદર્શી, ચંદ્રભાન પાસવાન સહિત ઘણા અન્ય નેતાઓ હતા. જોકે, સ્થાનિક સમીકરણો અને જનમતને ધ્યાનમાં રાખીને, ભાજપે ચંદ્રભાનને ઉમેદવાર બનાવ્યા છે. અવધેશ પ્રસાદ સાંસદ બન્યા બાદ મિલ્કીપુર વિધાનસભા ખાલી પડી હતી.