વાવ વિધાનસભા ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટીએ બનાસકાંઠાના પાંચ નેતાઓને પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી દૂર કર્યા છે.
આ પાંચ નેતાઓમાં માવજી પટેલ, લાલજી ચૌધરી, દેવજી પટેલ, દલરામ પટેલ અને જામાભાઈ પટેલનો સમાવેશ થાય છે.
પાર્ટીની અધિકારિક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું કે, “ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલની સૂચનાથી પક્ષવિરોધી પ્રવૃત્તિ કરતા બનાસકાંઠા જિલ્લાના સભ્યોને ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી દૂર કરીને સસ્પેન્ડ કરવામાં આવે છે.
અહીં ઉલ્લેખનીય છે કે માવજી પટેલ આગામી દિવસોમાં યોજાનારી વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે લડી રહ્યા છે.
વાવમાં 13 નવેમ્બરના રોજ મતદાન યોજાશે. અહીં 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોરની જીત થઈ હતી. 2024ની લોકસભા ચૂંટણીમાં તેઓ બનાસકાંઠા બેઠક પરથી ઉમેદવાર હતાં. આ ચૂંટણીમાં તેમની જીત થતાં એમએલએ પદેથી રાજીનામું આપ્યું હતું, જેથી અહીં પેટાચૂંટણી યોજવાની ફરજ પડી છે.
ચૂંટણીમાં ભાજપ તરફથી સુખદેવજી ઠાકોર ઉમેદવાર છે, જ્યારે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે.