Sunday, June 22, 2025
More

    ‘સ્વ-ઘોષિત, સ્વ-નિયુક્ત, સર્વોચ્ચ નેતા’: ભાજપે ‘નરેન્દર… સરેન્ડર’વાળા નિવેદન પર કોંગ્રેસ અને રાહુલ ગાંધીની કાઢી ઝાટકણી

    ભાજપે બુધવારે રાહુલ ગાંધીના (Rahul Gandhi) ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરણાગતિ સ્વીકારી લીધી છે’ વાળા નિવેદન પર કોંગ્રેસની ટીકા કરી અને કહ્યું કે કોંગ્રેસના (Congress) નેતામાં આ પદ માટે જરૂરી ગંભીરતા અને પરિપક્વતા નથી. ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ (Sudhanshu Trivedi) રાહુલ ગાંધીને કોંગ્રેસ પાર્ટીના ‘સ્વ-ઘોષિત, સ્વ-નિયુક્ત, સર્વોચ્ચ નેતા’ તરીકે પણ વર્ણવ્યા.

    ત્રિવેદીએ કહ્યું, “સ્વ-ઘોષિત, સ્વ-નિયુક્ત, સર્વોચ્ચ નેતા, વિપક્ષના નેતા રાહુલ ગાંધી અત્યંત સસ્તા, ઘૃણાસ્પદ નિવેદનો આપીને દુનિયાને કહી રહ્યા છે કે વિપક્ષના નેતા બન્યા પછી પણ, તેમની પાસે તે ગંભીરતા અને પરિપક્વતા નથી જે પદ માટે જરૂરી છે.”

    તેમણે રાહુલ ગાંધી પર દેશના આત્મસન્માનનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું, “હિન્દીમાં એક કહેવત છે – ‘નયા મુલ્લા જ્યાદા પ્યાઝ ખાતા હૈ’, પરંતુ અહીં ‘ગૈર મુલ્લા ઇસ્તર પ્યાઝ ખાને મેં લગા હૈ’, તેમને ખ્યાલ પણ નથી કે તેઓ ભારતના આત્મસન્માન અને ભારતીય સેનાની બહાદુરીનું કેટલું અપમાન કરી રહ્યા છે.”

    સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, “અત્યાર સુધી કોંગ્રેસના નેતાઓ પાકિસ્તાની મીડિયામાં હેડલાઇન્સ બનાવતા હતા, પાકિસ્તાની સંસદમાં તેમના નિવેદનો ટાંકવામાં આવતા હતા. પરંતુ પહેલી વાર રાહુલ ગાંધીએ એવું કંઈક કહ્યું છે જે પાકિસ્તાનના આર્મી ચીફે પણ કહ્યું નથી, કે પાકિસ્તાનના કોઈ આતંકવાદી સંગઠને પણ નથી કહ્યું. મસૂદ અઝહર કે હાફિઝ સઈદે પણ આવું કંઈ કહ્યું નથી.”

    ભાજપ નેતાએ કહ્યું, “આમાંથી કોઈએ એવું કહ્યું નથી કે ભારતે આત્મસમર્પણ કર્યું છે. હું રાહુલ ગાંધીને પૂછવા માંગુ છું કે શું તેઓ આ લોકોથી એક ડગલું આગળ વધવા માંગે છે?” તેમણે પૂછ્યું કે, “અત્યાર સુધી તેઓ પાકિસ્તાનના લોકો, પાકિસ્તાની સેના અને આતંકવાદી સંગઠનોને કવર ફાયર આપી રહ્યા હતા. શું તેઓ હવે તેમના નેતા બનવાનો પ્રયાસ કરી રહ્યા છે?”

    તેમણે કહ્યું કે, “રાહુલ ગાંધીજી, કોંગ્રેસ ભલે શરણાગતિ સ્વીકારી લે, પણ ભારત કોઈની સામે શરણાગતિ સ્વીકારી શકતું નથી. આપણે દુનિયાની એકમાત્ર સભ્યતા છીએ જે હજારો વર્ષોના હુમલાઓ પછી પણ જીવંત છે, જેને તમે સ્વીકારવા તૈયાર નથી. આપણા વડાપ્રધાન શ્રીનરેન્દ્ર મોદીજી ભારત માતાના સિંહ જેવા છે, એટલે કે આપણા નરેન્દ્ર ભારત માતાના મૃગેન્દ્ર છે.”