આતંકી રાષ્ટ્ર પાકિસ્તાન પર પ્રબળ પ્રહાર સાબિત થયેલા ઑપરેશન સિંદૂરની (Operation Sindoor) સિદ્ધિને હવે દેશના ખૂણા-ખૂણા સુધી પહોંચાડવા માટે ભાજપ (BJP) આગળ આવી છે. ભાજપે દેશભરમાં 11 દિવસીય તિરંગા યાત્રા (Tiranga Yatra) શરૂ કરી દીધી છે. મંગળવારે (13 મે) તેની શરૂઆત કરવામાં આવી છે. આ યાત્રા હેઠળ આતંકવાદ વિરુદ્ધ ભારતે ચલાવેલા ઑપરેશનની માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવશે અને આતંકવાદ પર વિજયની ઉજવણી પણ થશે.
પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અનુસાર, તિરંગા યાત્રાને રાજકીય અભિયાન તરીકે નહીં, પરંતુ ભારતની જનતાની લાગણીને વાચા આપવાના હેતુથી તૈયાર કરવામાં આવી છે. આ યાત્રાનો હેતુ સૈન્ય વિજય અને રાષ્ટ્રીય એકતાની ઉજવણી કરવાનો છે. આ સાથે જ જનમાનસ સુધી પણ આ વિશેની માહિતી પહોંચાડવામાં આવશે.
નોંધનીય છે કે, પહલગામ આતંકી હુમલાના પ્રતિશોધ તરીકે ભારતે 7 મેના રોજ ઑપરેશન સિંદૂર લૉન્ચ કર્યું હતું અને પાકિસ્તાન તથા PoKમાં ઘૂસીને 9 જેટલા આતંકી ઠેકાણાં સંપૂર્ણપણે ધ્વસ્ત કરી નાખ્યા હતા. ત્યારબાદ તો પાકિસ્તાન પર પણ ઘણા પ્રહાર કરવામાં આવ્યા હતા. હાલ પણ આ ઑપરેશન ચાલી રહ્યું છે.