Friday, December 6, 2024
More

    હિમાચલમાં સમોસા પર CID તપાસ બાદ ભાજપે યોજી સમોસા પાર્ટી, MLAએ ઝોમેટો પરથી સીએમ સુક્ખુને મોકલ્યા 11 સમોસા

    તાજેતરમાં જ હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકાર એક હાસ્યાસ્પદ કારણના લીધે વિવાદમાં આવી ગઈ હતી. અહીં CIDએ એ બાબત માટે દિવસો સુધી તપાસ કરીને રિપોર્ટ બનાવ્યો કે મુખ્યમંત્રી માટે મંગાવવામાં આવેલા સમોસા કોણ ખાઈ ગયું? 

    આ ઘટના બાદ સ્થાનિક ભારતીય જનતા પાર્ટીએ મુખ્યમંત્રીની મજાક ઉડાવવા માટે શુક્રવારે (8 નવેમ્બર) સમોસા પાર્ટી યોજી હતી. 

    હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા જયરામ ઠાકુરે શુક્રવારે પાર્ટી નેતાઓ માટે સમોસા પાર્ટી યોજી હતી. જેના ફોટા પણ સામે આવ્યા છે, જેમાં તેઓ અન્ય નેતાઓ સાથે મળીને સમોસાની લિજ્જત માણતા જોવા મળે છે. 

    બીજી તરફ, ભાજપના એક ધારાસભ્ય આશિષ શર્માએ સીએમ સુખવિંદર સિંઘ સુક્ખુને ઝોમેટો પરથી ઓર્ડર કરીને 11 સમોસા મોકલ્યા હતા. જેમણે પછીથી X પર આ બાબતની જાણકારી આપી. 

    તેમણે લખ્યું, “પહેલાં જ અનેક સમસ્યાઓ સામે રાજ્ય ઝઝૂમી રહ્યું છે. એવામાં મુખ્યમંત્રી દ્વારા સમોસા પર CID તપાસનો આદેશ આપવો અત્યંત નિરાશાજનક છે. જેના વિરોધ સ્વરૂપ મેં મુખ્યમંત્રીજીને 11 સમોસા મોકલ્યા હચે, જેથી તેમને યાદ અપાવી શકું કે જનતાની સાચી સમસ્યાઓનું સમાધાન કરવું વધુ મહત્વપૂર્ણ છે.”