Sunday, March 16, 2025
More

    ‘દેશની માફી માંગે રાહુલ ગાંધી, ગંગા અમારા માટે નદી નહીં માતા છે’: ખડગેના વિવાદિત નિવેદન બાદ ભાજપ આકરા પાણીએ

    કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ‘ગંગામાં ડૂબકી લગાવવાથી ગરીબી નહીં હટે’ના નિવેદન પર ભાજપે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર નિશાન સાધ્યું છે. ભાજપ સાંસદ સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પાસેથી માફી માંગવાની માંગ કરી અને કહ્યું છે કે, “અમિત શાહે મહાકુંભમાં ડૂબકી લગાવી હતી. વિપક્ષ આસ્થાની મજાક ઉડાવી રહ્યો છે. ગંગા મૈયા પર મલ્લિકાર્જુન ખડગે દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓથી હું ખૂબ જ દુઃખી છું.”

    સંબિત પાત્રાએ કહ્યું કે, “મહાકુંભ લાખો વર્ષોથી સનાતન આસ્થાનું પ્રતિક છે, કોંગ્રેસ પાર્ટી અને તેના અધ્યક્ષ તેની મજાક ઉડાવી રહ્યા છે. મહાકુંભ સ્નાનને લઈને મલ્લિકાકાર્જુન ખડગેનું નિવેદન અત્યંત શરમજનક છે. શું કોંગ્રેસ પાર્ટી ઈફ્તાર પાર્ટી અને હજ યાત્રા માટે પણ આવું જ શરમજનક નિવેદન આપી શકે છે? રાહુલ ગાંધી, તમે વિદેશ જાઓ અને સ્વિમિંગ પૂલમાં ડૂબકી લગાઓ, અમને કોઈ વાંધો નથી. પરંતુ સંગમ સ્નાન અને ગંગા મૈયામાં ડૂબકી લગાવવાની મજાક ન કરો.”

    સંબિત પાત્રાએ વધુમાં કહ્યું કે, “આજે હું ચેલેન્જ કરું છું, મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી કોઈ અન્ય ધર્મ પર બોલીને બતાવે, સનાતન વિરુદ્ધ આવા શબ્દો શરમજનક છે. આ એ જ ખડગે છે જે કહે છે કે, સત્તામાં આવ્યા પછી તેઓ સનાતનનો નાશ કરશે. ગંગા અમારા માટે નદી નથી પણ માતા છે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ સનાતનને માનનારાઓની માફી માંગવી જોઈએ.”