Sunday, April 13, 2025
More

    કેદારનાથમાં બિનહિંદુઓના પ્રવેશ પર રોક લગાવવાની ભાજપ ધારાસભ્યની માંગ, ધામની પવિત્રતાને ઠેસ પહોંચાડતાં કૃત્ય થતાં હોવાનો આરોપ

    હિંદુઓના પવિત્ર સ્થળ કેદારનાથમાં બિનહિંદુઓના પ્રવેશ રોક લગાવવાની માંગણી કરવામાં આવી રહી છે. આ માંગ કેદારનાથ વિધાનસભાના ભાજપ ધારાસભ્ય આશા નૌટિયાલે કરી છે. તેમણે કહ્યું છે કે, કેદારનાથ ધામમાં યાત્રા પ્રબંધન માટે એક બેઠક બોલાવવામાં આવી હતી અને લોકોએ પણ ઘણા મુદ્દાઓ ઉઠાવ્યા હતા, જેના પર કોઈનું ધ્યાન ગયું નહોતું. વધુમાં તેમણે એવું પણ કહ્યું કે, તેઓ લોકો દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાથી સહમત છે અને કેદારનાથ ધામમાં બિનહિંદુઓના પ્રવેશ પર રોક લગાવવાની માંગણી કરી રહ્યા છે.

    તેમણે વધુમાં આરોપ લગાવતા કહ્યું હતું કે, કેટલાક લોકો કેદારનાથ ધામની છબી ખરાબ કરવાનું કામ કરી રહ્યા છે. તેમણે માંગ કરતા કહ્યું કે, આવા લોકોના મંદિર પ્રવેશ પર રોક લગાવવામાં આવવી જોઈએ. તેમણે કહ્યું કે, “તેઓ નિશ્ચિતરૂપે બિનહિંદુઓ છે, જે કેદારનાથ ધામમાં આવે છે અને એવી ગતિવિધિઓમાં સામેલ થાય છે કે, જેના કારણે ધામની બદનામી થાય છે.” વધુમાં તેમણે કહ્યું કે, આ ઘટનાઓની તપાસ જરૂરી છે.

    માંસ, માછલી અને દારૂ પીરસાતો હોવાનો આરોપ

    ધારાસભ્યે વધુમાં આરોપ લગાવ્યો હતો કે, કેટલાક બિનહિંદુ લોકો ધાર્મિક સ્થળની ગરિમા અને પવિત્રતાને ઠેસ પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે, તે લોકો ધામમાં માંસ, માછલી અને દારૂ પરોસવા જેવા કામોમાં લિપ્ત રહે છે, જેના કારણે ધામની ગરિમાને નુકસાન પહોંચી રહ્યું છે. વધુમાં તેમણે એવું પણ કહ્યું કે, આવા લોકોની ઓળખ કરીને તેમના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાની યોજના બનાવવામાં આવવી જોઈએ.

    નોંધવા જેવું છે કે, તાજેતરમાં જ ભાજપ ધારાસભ્ય આશા નૌટિયાલે પ્રદેશના પ્રભારી મંત્રી સૌરભ બહુગુણા સાથે આ વિષય પર બેઠક કરી હતી. જેમાં અધિકારીઓ અને સ્થાનિક લોકોએ પણ ભાગ લીધો હતો. તે દરમિયાન સ્થાનિક લોકોને સૂચન આપ્યું હતું કે, બિનહિંદુ તત્વો દ્વારા કેદારનાથ ધામને બદનામ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેથી બિનહિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરવામાં આવી હતી.