મંગળવારે (8 ઑક્ટોબર) હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભાના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. હરિયાણાની વાત કરવામાં આવે તો અહીં શરૂઆતમાં કોંગ્રેસ આગળ જોવા મળી રહી હતી. પરંતુ, તે પછીથી સતત BJP આગળ વધી રહી છે.
હરિયાણામાં ભાજપ 48ની લીડથી આગળ વધી રહ્યું છે, જ્યારે કોંગ્રેસ માત્ર 37 બેઠકો પર આગળ છે. આ ઉપરાંત હરિયાણાની 3-3 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ બંનેએ જીત પણ નોંધાવી છે. પરિણામોના વલણ જોતાં લાગી રહ્યું છે કે, હરિયાણામાં ભાજપ ઐતિહાસિક હેટ્રીક તરફ આગળ વધી રહ્યું છે.

બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં પણ રસાકસી જોવા મળી રહી છે. તાજેતરની સ્થિતિ અનુસાર, નેશનલ કૉન્ફરન્સ (NC) 41ની લીડની આગળ વધી રહી છે અને બીજા નંબર પર ભાજપ 29 બેઠકોની બઢત સાથે આગળ વધી રહ્યું છે. કોંગ્રેસ માત્ર 6 બેઠકો પર આગળ જોવા મળે છે. નોંધવા જેવું છે કે, જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ અને NCનું ગઠબંધન છે.

સાથે એ પણ જાણવા મળી રહ્યું છે કે, જમ્મુ-કાશ્મીરમાં 11 બેઠકો ભાજપ જીતી ગયું છે. જ્યારે 8 બેઠકો NC જીતી છે અને 2 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ છે. જોકે, ચૂંટણીના પરિણામો આવવાને હજુ સમય લાગશે, પરંતુ હાલના વલણ જોતાં લગભગ સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે.