Friday, February 7, 2025
More

    ‘નેતા પર જૂતું ફેંકનારા કે કથાકારો વિશે એલફેલ બોલનારા વિકૃત માનસિકતા ધરાવતા વ્યક્તિ સાથે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી ચર્ચા ન કરે’: વાતેવાતે ડિબેટના પડકારો ફેંકતા ગોપાલ ઈટાલિયાને ભાજપ પ્રવક્તાનો જવાબ

    કચ્છમાંથી EDની નકલી ટીમ પકડાયા બાદ તેનો કેપ્ટન આમ આદમી પાર્ટીનો નેતા હોવાનું બહાર આવ્યા બાદ પાર્ટીના નેતાઓ અને ખાસ કરીને કતારગામથી વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરી ચૂકેલા ગોપાલ ઈટાલિયા જવાબ આપવાના સ્થાને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પડકાર ફેંકી રહ્યા છે. આ મામલે ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ હવે ટિપ્પણી કરી છે. 

    યજ્ઞેશ દવેએ એક નિવેદનમાં કહ્યું કે, ગુનાહિત ઇતિહાસ ધરાવતા નેતાઓનું કોઈ સ્તર નથી કે તેઓ ગુજરાતના ગૃહરાજ્યમંત્રી સાથે બેસીને ચર્ચા કરે. 

    તેમણે કહ્યું, “આમ આદમી પાર્ટીના નેતાઓ ગુનેગારોને બચાવવા માટે લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે. ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે હર્ષ સંઘવી મારી સાથે ચર્ચા કરે. ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિ સાથે ચર્ચા ન કરે. એ સ્તર જ નથી.”

    તેમણે કહ્યું, “કોઈ વિકૃત માનસિકતા ધરાવતો વ્યક્તિ, જે ભૂતકાળમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીને જૂતું મારી ચૂક્યો હોય કે બ્રાહ્મણો અને કથાકારો માટે એલફેલ બોલી ચૂક્યો હોય, તેને ગૃહ રાજ્યમંત્રી જવાબ આપશે?”

    તેમણે એમ પણ કહ્યું કે, AAP નેતાઓ હવે ખોટું રાજીનામું ઊભું કરી રહ્યા છે, પણ પેલો જ કહી રહ્યો છે કે તે પાર્ટીનો નેતા છે.