Tuesday, March 18, 2025
More

    ‘જેના પર કાળું હરણ મારવાનો આરોપ, તેને ચોવીસ કલાક રક્ષણ આપે છે પોલીસ’: ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પોસ્ટ વાયરલ

    મહારાષ્ટ્રના મોટા નેતા બાબા સિદ્દિકીની હત્યા બાદ સલમાન ખાન (Salman Khan) અને લૉરેન્સ બિશ્નોઈનું (Lawrence Bishnoi) નામ ખૂબ ચર્ચામાં છે. આ સાથે જ સલમાન ખાને કાળા હરણનો શિકાર કર્યો હતો, તે ઘટનાની પણ ચર્ચા થઈ રહી છે. આ ઘટનાક્રમ વચ્ચે હવે ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ (Bhupendrasinh Chudasama) સલમાન ખાનને અનુલક્ષીને એક પોસ્ટ કરી છે.

    દિવાળીના દિવસે એટલે કે ગુરુવારે (31 ઑક્ટોબર, 2024) ગુજરાત ભાજપના નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને સલમાન ખાનને શંકાસ્પદ કાળા હરણનો અપરાધી ગણાવ્યો છે. આ સાથે જ તેમણે સમયના મહત્વ વિશે પણ વાત કરી છે.

    તેમણે પોસ્ટ કરીને કહ્યું કે, “સમય બળવાન છે.. કેવો વિચિત્ર જોગ-સંજોગ છે. જે માણસ શંકાસ્પદ કાળા હરણનો અપરાધી છે, એને પોલીસ ચોવીસ કલાક રક્ષણ આપે છે. આનું નામ જ સમય.” નોંધવા જેવું છે કે, ભૂતકાળમાં સલમાન ખાને રાજસ્થાનમાં શૂટિંગ દરમિયાન પવિત્ર કાળા હરણનો શિકાર કર્યો હતો. જે બાદ બિશ્નોઈ સમાજ ખૂબ રોષે ભરાયો હતો અને સલમાન પર કેસ પણ થયો હતો.

    આ ઘટનાને લઈને જ લૉરેન્સ બિશ્નોઈ અને સલમાન ખાન વચ્ચેની શત્રુતા વધી રહી છે. લૉરેન્સે સ્પષ્ટ કહ્યું છે કે, સલમાન ખાન માફી નહીં માંગે તો તે તેની હત્યા કરી નાંખશે. હાલ લૉરેન્સ બિશ્નોઈ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે.