દેશમાં વક્ફ કાયદો લાગુ થયા બાદ પ્રથમ વખત મધ્ય પ્રદેશમાં કાર્યવાહી થઈ હોવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, મધ્ય પ્રદેશમાં એક 20 વર્ષ જૂના મદરેસા પર બુલડોઝર ફેરવી દેવાયું છે. વાસ્તવમાં કેટલાક દિવસો પહેલાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ વિષ્ણુ દત્ત શર્માએ ફરિયાદ કરી હતી કે, સરકારી જમીન પર ગેરકાયદેસર મદરેસા બનાવીને અવૈધ ગતિવિધિઓ સંચાલિત કરવામાં આવી રહી છે.
આ ફરિયાદના આધારે સરકારે મદરેસાને નોટિસ પણ ફટકારી હતી અને આખરે રવિવારે (13 એપ્રિલ) મદરેસા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આ મદરેસાને લઈને પહેલાં પણ ઘણી વખત ફરિયાદો કરવામાં આવી હતી. જોકે, આ ઇમારતના માલિક મોહમ્મદ નસીમનું કહેવું છે કે, તેઓ પોતે જ ગેરકાયદેસર ભાગને હટાવવા લાગ્યા છે. હાલ આ બુલડોઝર એક્શનને ભારે ચર્ચાઓ જોવા મળી રહી છે.
હકીકતમાં એમપીના પન્નામાં વોર્ડ નંબર 26ની સરકારી જમીન પર 20 વર્ષ પહેલાં આ મદરેસાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભાજપ અધ્યક્ષને તે વિશેની ફરિયાદ આપવામાં આવી હતી. જેમાં કહેવાયું હતું કે, તે બાંધકામ ગેરકાયદેસર છે અને અવૈધ ગતિવિધિઓ પણ થાય છે. ત્યારપછી મદરેસા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.