મંગળવારે (8 ઑક્ટોબર) હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભાના પરિણામો જાહેર થઈ રહ્યા છે. બસ થોડા સમયમાં ફાઇનલ પરિણામો આવ્યા બાદ પરિદ્રશ્ય સ્પષ્ટ થઈ જશે. પરંતુ તે પહેલાં જ નક્કી થઈ ગયું છે કે, કયા રાજ્યમાં કોની સરકાર બની રહી છે. હાલની સ્થિતિ જોતાં હરિયાણામાં નિશ્ચિતપણે સતત ત્રીજી વખત ભાજપ સરકાર બની રહી છે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં NC-કોંગ્રેસ ગઠબંધન આગળ છે.
વાત હરિયાણાની કરવામાં આવે તો ભાજપે હમણાં સુધીમાં 41 બેઠકો પર ભગવો ફરકાવી દીધો છે અને 7 બેઠક પર લીડમાં છે. જ્યારે કોંગ્રેસ માત્ર 33 બેઠકો જીતી શકી છે અને માત્ર 4 બેઠકો પર આગળ છે. હાલની સ્થિતિ જોતાં હરિયાણામાં ભાજપ 48-49 બેઠકો મેળવીને સ્પષ્ટ બહુમતી સરકાર બનાવવા આગળ વધી રહી છે.
જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસે જીતી માત્ર 6 બેઠક અને ભાજપના ભાગે 29
તે જ રીતે જો વાત જમ્મુ-કાશ્મીર વિધાનસભાની કરવામાં આવે તો તેમાં સૌથી આગળ નેશનલ કૉન્ફરન્સ છે, જે 42 બેઠકો જીતી ચૂકી છે અને તેની સાથી પાર્ટી કોંગ્રેસ માત્ર 6 બેઠકો જીતવામાં સફળ રહી છે. બીજી તરફ વિરોધમાં ભાજપ પક્ષે 29 બેઠકો જીતીને અન્ય પાર્ટીઓને ચોંકાવી દીધી છે. કાશ્મીરમાં કોંગ્રેસ કરતાં પાંચ ગણી વધુ બેઠકો ભાજપ એકલા હાથે જીત્યું છે. જોકે, NC ગઠબંધનની જમ્મુ-કાશ્મીરમાં જીત થઈ છે.