Saturday, March 29, 2025
More

    મુસ્લિમ કોન્ટ્રાક્ટરોને કર્ણાટક સરકારે આપ્યું 4% આરક્ષણ, ભાજપે નોંધાવ્યો ઉગ્ર વિરોધ: કહ્યું- કોર્ટમાં પડકારીશું

    કર્ણાટક કોંગ્રેસ સરકારે (Karnataka Congress Government) મુસ્લિમ કોન્ટ્રાક્ટરોને માટે 4%ની અનામત જાહેર કર્યા બાદ ભાજપે તેનો વિરોધ કર્યો હતો. ભાજપે 17 માર્ચે જાહેરાત કરી હતી કે તે કર્ણાટક સરકારના આ આદેશને કોર્ટમાં પડકારશે. ભાજપે આ પગલાને ‘અસંવૈધાનિક દુસ્સાહસ’ ગણાવ્યું હતું.

    આ મામલે ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ કહ્યું હતું કે, “માત્ર ધર્મના આધારે અનામત ગેરબંધારણીય છે, સ્પષ્ટપણે ગેરકાયદેસર છે અને દેશની રાષ્ટ્રીય એકતા અને સુરક્ષા માટે ખતરો બની શકે છે. બાબાસાહેબ આંબેડકર સહિત બંધારણના નિર્માતાઓએ આ વિચારનો સખત વિરોધ કર્યો હતો. તેમણે આ વિચારને રાષ્ટ્રીય અખંડિતતા સામે ઘાતક ડોઝ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે આ વિચાર ભારતના વિઘટન તરફ દોરી જશે…”

    તેમણે આગળ કહ્યું કે, “મુખ્યમંત્રીએ ₹1000 કરોડના મુખ્યમંત્રી મુસ્લિમ કોલોની વિકાસ ભંડોળનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. આ કેવી બકવાસ છે? તમે કહો છો કે તમારી પાસે બેંગલુરુ શહેરમાં ખાડા ભરવા માટે પણ પૈસા નથી, પરંતુ તમે મુસ્લિમ કોલોની વિકાસ માટે આટલી મોટી રકમ ચૂકવી શકો છો…”

    નોંધનીય છે કે 14 માર્ચના રોજ કર્ણાટક કેબિનેટે કર્ણાટક ટ્રાન્સપરન્સી ઇન પબ્લિક પ્રોક્યોરમેન્ટ (KTPP) એક્ટમાં સુધારાને મંજૂરી આપ્યા બાદ વિવાદ શરૂ થયો હતો. આ સુધારામાં ₹2 કરોડ સુધીના સિવિલ વર્ક્સ માટેના અને  ₹1 કરોડ સુધીના માલ/સેવાઓના સરકારી કોન્ટ્રાક્ટના 4% મુસ્લિમો માટે અનામત રાખવામાં આવ્યા હતા.