Tuesday, March 18, 2025
More

    રાજ્યની 66 નગરપાલિકામાં પ્રમુખની પસંદગી કરવા ભાજપે કરી નિરીક્ષકોની નિયુક્તિ: માર્ચમાં થઈ શકે ઘોષણાઓ

    ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત મેળવી હતી. ત્યારે હવે રાજ્યની 66 નગરપાલિકાઓ માટે પ્રમુખની પસંદગી કરવા ભાજપે નિરીક્ષકોની નિયુક્તિ કરી છે. પ્રમુખ પસંદગીની કાર્યવાહી 25 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી. જે 27 ફેબ્રુઆરી એટલે કે આવતીકાલ સુધી ચાલશે.

    25, 26, અને 27 ફેબ્રુઆરી દરમિયાન પ્રમુખની પસંદગીની પ્રક્રિયા ચાલવાની છે. જ્યારે  28 ફેબ્રુઆરી અને 1 માર્ચના રોજ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. ત્યારપછી તમામ પાલિકાને પ્રમુખ અને જૂનાગઢ મહાનગરપાલિકાને મેયર મળવાની સંભાવના છે. 

    ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપે 60માંથી 48 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે કોંગ્રેસને 11 બેઠકો પર જીત મળી હતી અને એક બેઠક અપક્ષના ફાળે ગઈ હતી. 60 નગરપાલિકા પર ભાજપે જીત મેળવી હતી. જ્યારે કૉંગ્રેસના ખાતામાં એક માત્ર સલાયા પાલિકા આવી હતી.