દિલ્હીમાં મુખ્યમંત્રી નક્કી કરવા માટે ધારાસભ્યોની બેઠક મળે એ પહેલાં ભારતીય જનતા પાર્ટીએ બે નિરીક્ષકોની નિમણૂક કરી છે, જેઓ કેન્દ્રીય નેતૃત્વ તરફથી બેઠકમાં ભાગ લેશે અને મુખ્યમંત્રીની પસંદગી કરવામાં ભૂમિકા ભજવશે.
આ બે નેતાઓમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ રવિશંકર પ્રસાદ અને રાષ્ટ્રીય સચિવ ઓમપ્રકાશ ધનખડનો સમાવેશ થાય છે. ભાજપે સત્તાવાર રીતે એક પ્રેસ વિજ્ઞપ્તિ દ્વારા બંને નેતાઓને દિલ્હીમાં મુખ્યમંત્રીની ચૂંટણી માટે કેન્દ્રીય નિરીક્ષકો નીમ્યા છે.
ધારાસભ્યોની બેઠક સાંજે 7 વાગ્યે યોજાનાર છે. જેમાં નેતા ચૂંટવામાં આવશે. બેઠક બાદ નેતા વિધાયક ઉપરાજ્યપાલને મળવા પહોંચશે અને સરકાર રચવાનો દાવો કરશે.
શપથગ્રહણ સમારોહ 20 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યે દિલ્હીના રામલીલા મેદાન ખાતે યોજાનાર છે, જેના માટે નિમંત્રણ આપવાનાં શરૂ કરી દેવામાં આવ્યાં છે. મુખ્યમંત્રી સાથે મંત્રીમંડળ પણ શપથ લેશે. જોકે દિલ્હીનું મંત્રીમંડળ પ્રમાણમાં ઘણું નાનું હોય છે.