Monday, March 24, 2025
More

    દિલ્હી ચૂંટણી માટે ભાજપે જાહેર કરી પહેલી યાદી: કેજરીવાલ સામે લડશે પ્રવેશ વર્મા, રમેશ બિધૂડીને કાલકાજીથી ટિકિટ

    દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે, જેમાં કુલ 29 નામો છે. યાદીમાં નવી દિલ્હી, કાલકાજી, પટપડગંજ વગેરે અગત્યની બેઠકો પણ સામેલ છે. 

    યાદી અનુસાર, નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ભાજપ તરફથી પરવેશ સાહિબ સિંઘ વર્મા ચૂંટણી લડશે. આ બેઠક પરથી AAPમાંથી અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસમાંથી સંદીપ દીક્ષિત ચૂંટણી લડી રહ્યા છે. જેથી અહીં ત્રિપાંખિયો જંગ થશે. 

    કાલકાજી વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીમાંથી મુખ્યમંત્રી આતિશી ચૂંટણી લડી રહ્યાં છે. ભાજપે અહીંથી પૂર્વ સાંસદ રમેશ બિધૂડીને ટિકિટ આપી છે. કોંગ્રેસ તરફથી અહીં અલકા લાંબા ચૂંટણી લડશે. 

    આ સિવાય ભાજપે તાજેતરમાં જ પાર્ટીમાં જોડાયેલા પૂર્વ AAP નેતા અને મંત્રી કૈલાશ ગેહલોતને પણ ટિકિટ આપી છે. તેઓ બિજવાસન બેઠક પરથી ચૂંટણી લડશે. પટપડગંજથી રવિન્દર નેગી ચૂંટણી લડશે. 

    આ ભાજપની પહેલી યાદી છે. દિલ્હીમાં કુલ 70 બેઠકો પર વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. આમ આદમી પાર્ટી તમામ ઉમેદવારો જાહેર કરી ચૂકી છે, જ્યારે ભાજપ-કોંગ્રેસ ધીમે-ધીમે જાહેરાત કરી રહ્યાં છે. ટૂંક સમયમાં આચારસંહિતા પણ લાગુ થવાની ગણતરી છે.