Friday, April 11, 2025
More

    2026ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે AIADMK સાથે કર્યું ગઠબંધન: અમિત શાહે કરી જાહેરાત, કે અન્નામલાઈને મળી શકે રાષ્ટ્રીય સંગઠનમાં મોટી જવાબદારી

    શુક્રવાર, 11 એપ્રિલ ભાજપે (BJP) આગામી વર્ષે થનારી તમિલનાડુ વિધાનસભા ચૂંટણી (Tamil Nadu assembly elections) માટે ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK) સાથે ગઠબંધન (Alliance) કરવાનો નિર્ણય જાહેર કર્યો છે.

    આ ગઠબંધનની પુષ્ટિ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચેન્નાઈમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કરી હતી. આ દરમિયાન ભાજપના નેતા કે અન્નામલાઈ અને એઆઈએડીએમકેના નેતા એડાપ્પડી પલાનીસ્વામી હાજર હતા. અમિત શાહે કહ્યું કે, AIADMK અને ભાજપના નેતાઓએ મળીને નક્કી કર્યું છે કે આવનાર તામિલનાડુ વિધાનસભાની ચૂંટણી બંને પાર્ટીઓ તેમજ અન્ય સહયોગી પક્ષો સાથે મળીને લડશે. તેમણે સ્પષ્ટ કર્યું કે રાષ્ટ્રીય સ્તરે ગઠબંધનનું નેતૃત્વ પીએમ મોદી કરશે અને રાજ્યસ્તર પર AIADMKના નેતા પલાનીસ્વામીના નેતૃત્વમાં ચૂંટણી લડવામાં આવશે.

    ગૃહમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે, આવનાર ચૂંટણીઓમાં NDA પ્રચંડ બહુમત હાંસલ કરીને સરકાર બનાવશે. તેમણે કહ્યું કે, ચૂંટણી જીત્યા પછી ભાજપ સરકારમાં સામેલ થવા પર નિર્ણય કરશે અને બેઠકોની સંખ્યા અને મંત્રીપદ વગેરે પર સમય આવ્યે ચર્ચા થશે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે AIADMKની ગઠબંધનમાં સામેલ થવા કોઈ માંગ નથી અને તેના આંતરિક મામલાઓમાં ભાજપનો કોઈ હસ્તક્ષેપ પણ નથી. ગઠબંધન બંને પાર્ટીઓ માટે ઉપયોગી છે.

    ગૃહમંત્રી શાહે સત્તાધારી DMK પાર્ટી પર પણ પ્રહાર કર્યા અને કહ્યું કે, તેઓ મૂળ મુદ્દા પરથી ધ્યાન ભટકાવવા ભાષા વિવાદ લઈ આવે છે અને સનાતનનું પણ અપમાન કરી રહ્યા છે. સરકાર બન્યા બાદ DMKનાં કૌભાંડો ઉજાગર કરવામાં આવશે તેમ પણ તેમણે ઉમેર્યું અને કહ્યું કે જરૂર પડ્યે NDA તમિલનાડુમાં કોમન મિનિમમ પ્રોગ્રામ પણ બનાવશે.

    કે અન્નમલાઈએ વધાર્યો BJPનો વોટશેર, મળશે કેન્દ્રીય સંગઠનમાં મોટી જવાબદારી

    ઉલ્લેખનીય છે કે અગાઉ AIADMK NDAનો ભાગ હતી. 2021માં બંને પાર્ટીઓ સાથે મળીને લડી હતી, પરંતુ પરાજય થયો હતો અને DMK-કોંગ્રેસ ગઠબંધન વિજેતા બન્યું હતું. 2023માં બંને પાર્ટીઓ એકબીજાથી દૂર થતી ગઈ અને 2024ની લોકસભા ચૂંટણીમાં બંને અલગ-અલગ લડ્યાં અને બંનેની એક પણ બેઠક ન આવી. જોકે અન્નામલાઈના નેતૃત્વમાં લડેલા ભાજપનો વૉટશેર વધ્યો હતો, પરંતુ બેઠક મળી શકી ન હતી.

    આ પહેલા અન્નામલાઈએ રાજ્યના ભાજપ પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું હતું અને હવે કહેવાઈ રહ્યું છે કે તેમને કેન્દ્રીય સંગઠનમાં મોટી જવાબદારી અપાઈ શકે છે.