Sunday, June 22, 2025
More

    ‘કેજરીવાલની પાર્ટી 243 બેઠકો પર સ્વતંત્ર ચૂંટણી લડશે’: AAPએ INDI ગઠબંધનથી ફાડ્યા છેડા, બિહાર વિધાનસભા ચૂંટણીમાં નહીં આપે RJD-કોંગ્રેસને સાથ

    બિહાર વિધાનસભા ચૂંટણી 2025ને (Bihar Assembly Elections) લઈને રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. મોટાભાગના પક્ષો પોતાની પાર્ટીનું પ્રભુત્વ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. સામે આવેલ માહિતી અનુસાર INDI ગઠબંધન (INDI Alliance) છેલ્લા શ્વાસ ગણી રહ્યું છે. બિહાર વિધાનસભા ચૂંટણી માટે AAPએ સ્વતંત્ર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે અને INDI ગઠબંધન છોડી દીધું છે.

    નોંધનીય છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પણ AAPએ સ્વતંત્ર ચૂંટણી લડી હતી. ત્યારે હવે આ જાહેરાત બાદ રાષ્ટ્રીય જનતા દળ (RJD) અને કોંગ્રેસે નિર્ણય લીધો છે કે તેઓ બિહારની તમામ 243 વિધાનસભા બેઠકો પર એકલા ચૂંટણી લડશે. આ નિર્ણય બિહારના રાજકીય પરિદૃશ્યમાં મોટો ફેરફાર લાવી શકે છે.

    આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મીડિયા કન્વીનર અનુરાગ ઢાંડાએ INDI ગઠબંધન અંગે કહ્યું કે આ ગઠબંધન લોકસભા ચૂંટણી માટે કરવામાં આવ્યું હતું. હવે આમ આદમી પાર્ટી કોઈ ગઠબંધનનો ભાગ નથી. હાલમાં AAP તમામ રાજ્યોમાં તેના સંગઠનને મજબૂત બનાવવા પર કામ કરી રહી છે.

    આમ આદમી પાર્ટી બિહારમાં સાત તબક્કાની રેલી કાઢી રહી છે. અનુરાગ ઢાંડાએ કહ્યું, “આપ બિહારમાં પોતાના દમ પર ચૂંટણી લડશે. અમે બૂથ સ્તરે પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. લોકો સાથે જોડાવા માટે સાત તબક્કાની રેલી કાઢવામાં આવી રહી છે. અમે સીમાંચલ પ્રદેશ દ્વારા ત્રીજા તબક્કામાં પહોંચી ગયા છીએ. પાર્ટી બિહારમાં બધી 243 બેઠકો પર એકલા ચૂંટણી લડશે.”