Friday, December 6, 2024
More

    વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ અને અર્થશાસ્ત્રી બિબેક દેબરોયનું નિધન

    વિખ્યાત લેખક, અર્થશાસ્ત્રી અને વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના ચેરમેન બિબેક દેબરોયનું  (Bibek Debroy) નિધન થયું છે. શુક્રવારે (1 નવેમ્બર) તેમણે અંતિમ શ્વાસ લીધા. 

    પદ્મશ્રી બિબેક દેબરોય એક કુશળ અર્થશાસ્ત્રી હતા, જેમણે ભૂતકાળમાં ગોખલે ઇન્સ્ટિટ્યૂટ ઑફ પોલિટિક્સ એન્ડ ઇકોનોમિક્સ, પુણે ખાતે ચાન્સેલર તરીકે પણ સેવા આપી હતી. તેઓ જૂન, 2019 સુધી નીતિ આયોગના સભ્ય પણ રહ્યા હતા. 

    આ સિવાય તેઓ એક લેખક પણ હતા અને અનેક બેસ્ટસેલર પુસ્તકો લખ્યાં હતાં તો નિયમિત રીતે સ્તંભ પણ લખતા રહેતા હતા. અનેક અખબારોમાં તેમણે સલાહકાર સંપાદકની પણ ભૂમિકા ભજવી હતી. ભારતની આર્થિક નીતિઓ ઘડવામાં તેમનો ફાળો અગત્યનો રહ્યો હતો. 

    બિબેક દેબરોયે અર્થશાસ્ત્ર, રાજકારણ, ઇતિહાસ, સંસ્કૃતિ, અધ્યાત્મ અને ધર્મ જેવા અનેક વિષયોમાં ખેડાણ કર્યું અને અનેક બેસ્ટસેલર પુસ્તકો લખ્યાં. ખાસ કરીને મહાભારત અને શ્રીમદ્ ભગવદ્ ગીતા જેવા ગ્રંથોનો સરળ અનુવાદ કરીને તેમણે લખેલાં પુસ્તકો આજે પણ એટલાં જ વંચાય અને વખણાય છે. 

    વડાપ્રધાન મોદીએ બિબેક દેબરોયને શ્રદ્ધાંજલિ પાઠવી છે. 

    તેમણે X પર લખ્યું, ‘ડૉ. બિબેક દેબરોય એક પ્રખર વિદ્વાન હતા અને અર્થશાસ્ત્ર, ઇતિહાસ, સંસ્કૃતિ, રાજકારણ, અધ્યાત્મ અને અન્ય અનેક વિષયો પર તેમની પકડ હતી. પોતાના કામ થકી તેમણે ભારતના બૌદ્ધિક પરિદ્રશ્ય પર એક અમિટ છાપ છોડી છે. પબ્લિક પોલિસી ઉપરાંત, તેમણે આપણાં પૌરાણિક ગ્રંથો પર કામ કર્યું અને યુવાનોને તેના સુધી લઈ ગયા હતા.”