તાજેતરમાં પોરબંદરમાંથી પકડાયેલા ગેંગસ્ટર ભીમા દુલાને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં જામીન મળી ગયા હતા. પરંતુ ત્યારબાદ તેની ફરીથી એક કેસમાં અટકાયત કરવામાં આવી. બીજી તરફ, તેના પુત્ર અને પુત્રવધૂ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.
ગત શુક્રવારે (18 ઑક્ટોબર) પોરબંદર પોલીસે એક વ્યક્તિ પર હુમલાની ઘટનામાં ભીમા દુલા અને તેના બે સાગરિતોની ધરપકડ કરી હતી. ત્યારબાદ બીજા દિવસે તેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગ કરવામાં આવી, પરંતુ કોર્ટે તે નકારીને આરોપીને જામીન આપ્યા હતા.
જોકે, પછી શનિવારે સાંજે જ પોલીસે તેની એક પ્રોહિબિશન કેસમાં ફરી અટકાયત કરી લીધી હતી.
બીજી તરફ, પોલીસે ભીમ દુલાના પુત્ર લખમણ અને પુત્રવધૂ સંતોક ઓડેદરા વિરુદ્ધ રાણાવાવ પોલીસ મથકે આર્મ્સ એક્ટના ઉલ્લંઘન બદલ કેસ દાખલ કર્યો હતો. વાસ્તવમાં ભીમા દુલાના ઘરે રેડ દરમિયાન જે હથિયાર મળ્યાં હતાં તેનું લાયસન્સ તેના પુત્ર-પુત્રવધૂના નામનું હતું.
પોલીસે બંને વિરુદ્ધ પરવાનગી કરતાં વધુ કાર્ટિજ રાખવાનો ગુનો નોંધ્યો છે.