Monday, March 24, 2025
More

    ‘મેક ઇન ઇન્ડિયા’થી ‘એક્સપોર્ટ ટૂ અમેરિકા’: ભારતની KSSL હવે USAને વેચશે અત્યાધુનિક બંદૂકો અને શસ્ત્રો, LOI પર હસ્તાક્ષર

    ફિલિપિન્સને બ્રહ્મોસ મિસાઇલ વેચ્યા બાદ હવે ભારત અમેરિકામાં પણ પોતાના શસ્ત્રો નિકાસ કરવા જઈ રહ્યું છે. તાજેતરમાં જ સામે આવેલ અહેવાલ અનુસાર હવે અમેરિકન (America) કંપની એએમ જનરલ મોટર્સે ભારત ફોર્જ લિમિટેડની પેટાકંપની કલ્યાણી સ્ટ્રેટેજિક સિસ્ટમ્સ લિમિટેડ (KSSL) સાથે ભારતમાંથી આધુનિક બંદૂકો ખરીદવા માટે લેટર ઓફ એગ્રીમેન્ટ (LOI) પર હસ્તાક્ષર કર્યા છે.

    આ કરાર હેઠળ, ભારતમાં ઉત્પાદિત અદ્યતન બંદૂકો અમેરિકાને સપ્લાય કરવામાં આવશે. આવું પ્રથમવાર બન્યું છે કે જ્યારે કોઈ ભારતીય કંપનીએ અમેરિકાને બંદૂકો સપ્લાય કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર અબુ ધાબીમાં આયોજિત IDEX 2025 સંરક્ષણ પ્રદર્શનમાં થયો છે.

    ઉલ્લેખનીય છે કે એએમ જનરલ વિશ્વની એક પ્રમુખ કંપની છે જે સેના માટે વાહનો તૈયાર કરતી હોય છે. આ કરાર હેઠળ, કલ્યાણી સ્ટ્રેટેજિક સિસ્ટમ્સ લિમિટેડ (KSSL) એએમ જનરલને ભારતીય બનાવટની 105mm અને 155mm કેલિબર માઉન્ટેડ, ટોવ્ડ અને અલ્ટ્રા-લાઇટ ગન સિસ્ટમ્સ સપ્લાય કરશે.

    IDEX 2025માં બોલતા, ભારત ફોર્જ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર બાબા કલ્યાણીએ આ ઐતિહાસિક કરાર પર ગર્વ વ્યક્ત કરતા કહ્યું કે, “ભારતમાં ઉત્પાદિત મહત્વપૂર્ણ સંરક્ષણ પ્રણાલીઓ યુએસને સપ્લાય કરવી એ એક અભૂતપૂર્વ પગલું છે! KSSL ખાતે અમે યુએસને આર્ટિલરી સપ્લાય કરનારી પ્રથમ ભારતીય કંપની હોવાનો ગર્વ અનુભવીએ છીએ. આ અમારી ક્ષમતાઓનો પુરાવો છે અને વિશ્વમાં અગ્રણી આર્ટિલરી સોલ્યુશન્સ પ્રદાતા બનવાના અમારા મિશનમાં એક મોટું પગલું છે.”