Sunday, March 9, 2025
More

    બેંગલુરુમાં રક્ષક જ બન્યો ભક્ષક: પોલીસ પાસે રેપની ફરિયાદ લઈને પહોંચેલી  સગીરા પર બળાત્કાર, પોલીસ કોન્સ્ટેબલ સહિત 2ની ધરપકડ

    કોંગ્રેસ શાસિત કર્ણાટકમાં 17 વર્ષની છોકરી પર બળાત્કાર કરવાના આરોપમાં એક પોલીસ કોન્સ્ટેબલની (Constable Arrested) ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયેલી બળાત્કાર પીડિતા પર કોન્સ્ટેબલે કથિત રીતે બળાત્કાર (Rape By Constable) ગુજાર્યો હોવાનો આરોપ છે.

    પીડિતા બેંગલુરુના (Bengaluru) બોમ્મનહલ્લી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે. આ સમય દરમિયાન, તેણીનો પરિચય તેના પાડોશી, વિકી નામના પરિણીત પુરુષ સાથે થયો. વિકીએ સગીરાને લગ્નનું વચન આપીને લલચાવી અને તેના પર બળાત્કાર ગુજાર્યો અને મારપીટ પણ કરી હતી.

    સગીરાએ આ અંગે તેની માતાને જાણ કરી હતી. જેના આધારે પીડિતાની માતાએ બોમનહલ્લી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સ્ટેશનમાં, કોન્સ્ટેબલ અરુણે પણ પીડિતા સાથે મિત્રતા કરી અને તેને ન્યાયની ખાતરી આપીને નોકરી અપાવવાનું પણ વચન આપ્યું હતું.

    ત્યારપછી ગત વર્ષે ડિસેમ્બરમાં, કોન્સ્ટેબલે સગીરાને બેંગલુરુની એક હોટલમાં બોલાવીને દારૂની બોટલમાં નશીલા પદાર્થો ભેળવીને તેને પીવડાવી દીધા અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આરોપી કોન્સ્ટેબલે પીડિતાને ધમકી પણ આપી કે જો તે કોઈને કહેશે તો તેના અશ્લીલ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશે.

    આ મામલે પોલીસ કમિશનર બી દયાનંદે જણાવ્યું હતું કે, “17 વર્ષની બળાત્કાર પીડિત છોકરી પર બળાત્કાર કરવાના આરોપમાં એક પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી હતી. પીડિતા ફરિયાદ નોંધાવવા આવી હતી અને મદદ આપવાના બહાને તેની સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. બોમ્મનહલ્લી પોલીસે એક કોન્સ્ટેબલ સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે અને તેમને જેલમાં મોકલી દીધા છે.”

    પોલીસે જણાવ્યું હતું કે, “બોમ્મનહલ્લી પોલીસ સ્ટેશનમાં તૈનાત કોન્સ્ટેબલ અરુણ અને પીડિતાના મિત્ર વિક્કીની પોલીસે ધરપકડ કરી હતી. પીડિતાની માતાએ બોમ્મનહલ્લી પોલીસમાં ફરિયાદ નોંધાવી. માઈકો લેઆઉટ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ POCSO અને BNS એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.”

    નોંધનીય છે કે પીડિતાની માતાની ફરિયાદના આધારે કોન્સ્ટેબલ અરુણ અને વિકીની ધરપકડ કરવામાં આવી હતી. આ ગુનો મે 2024 થી 13 ફેબ્રુઆરી 2025 દરમિયાન આચરવામાં આવ્યો હતો.