Saturday, May 17, 2025
More

    ‘Hey Google…. ગળાની નસ કેવી રીતે કાપવી, જેથી તુરંત મોત થઈ જાય…’: બેંગલુરુમાં પૂર્વ DGPની હત્યા કરતા પહેલા તેમના પત્ની ગૂગલને પૂછેલા સવાલ

    કર્ણાટકના (Karnataka) ભૂતપૂર્વ પોલીસ વડા (Ex DGP Murder) ઓમ પ્રકાશની 20 એપ્રિલ, રવિવારના રોજ બપોરે બેંગલુરુના (Bengaluru) HSR લેઆઉટ સ્થિત તેમના ઘરે ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. ભૂતપૂર્વ ડીજીપીની પત્ની પલ્લવીએ સાંજે લગભગ 4.30 વાગ્યે પોલીસને ફોન કરીને ઘટનાની જાણ કરી અને પોતાના પતિની હત્યા કર્યાની કબૂલાત કરી. બાદમાં, તેણે તેના એક મિત્રને વિડીયો કોલ કરીને કહ્યું, “મેં રાક્ષસને મારી નાખ્યો છે”.

    હવે, એવા અહેવાલો બહાર આવ્યા છે કે પલ્લવીએ ગૂગલ પર પૂરું રિસર્ચ કર્યું હતું કે ગળાની નજીકની નસ અને રક્તવાહિનીઓ કાપવાથી વ્યક્તિનું મૃત્યુ કેવી રીતે થાય છે. હત્યા કરતા પહેલા તે 5 દિવસથી આવી માહિતી શોધી રહી હતી. જ્યારે ઓમ પ્રકાશ લોહીથી લથપથ હાલતમાં મળી આવ્યો ત્યારે તેના શરીર પર છરીના અનેક ઘા હતા.

    હત્યા બાદ, તેની પત્ની પલ્લવી અને પુત્રી કૃતિને બેંગલુરુ પોલીસે કસ્ટડીમાં લીધી હતી. પલ્લવીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી છે જ્યારે કૃતિને માનસિક તપાસ માટે નિમહંસ હોસ્પિટલમાં મોકલવામાં આવી છે. ઓમ પ્રકાશના પુત્રએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં કહ્યું છે કે પલ્લવી અને કૃતિ હતાશ હતી અને દરરોજ તેમના પિતા સાથે ઝઘડો કરતી હતી.

    પત્ની સાથે ઘરે વારંવાર ઝઘડા થતાં ભૂતપૂર્વ ડીજીપી તાજેતરમાં જ તેની બહેનના ઘરે રહેવા ગયા હતા, પરંતુ તેમની પુત્રી કૃતિએ હત્યાના 2 દિવસ પહેલા તેમને પાછા આવવા માટે મનાવી લીધા હતા.