Thursday, March 20, 2025
More

    મમતા બેનર્જીએ મહાકુંભને ગણાવી દીધો ‘મૃત્યુ કુંભ’: ભાજપે કહ્યું- અન્ય મઝહબ વિશે બોલે તો ‘સર તન સે જુદા’ની ધમકી આવી જાય

    પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિધાનસભા સત્રમાં મહાકુંભને ‘મૃત્યુ કુંભ’ ગણાવી દીધો છે. તેમના આ વિવાદિત નિવેદનને લઈને ભાજપે આકરા પ્રહાર કર્યા છે. બંગાળ ભાજપ પ્રમુખ અને કાર્યકર્તાઓએ વિધાનસભાની બહાર નારા પણ લગાવ્યા હતા. તે સિવાય હવે ભાજપ નેતા આરપી સિંઘે પણ પલટવાર કર્યો છે.

    ભાજપ નેતા આરપી સિંઘે મમતા બેનર્જીના આ નિવેદન પર તેમને પડકાર ફેંકતા કહ્યું છે કે, જો તેઓ મુસલમાનોના મઝહબી કાર્યક્રમ વિશે આવું બોલીને બતાવે તો તરત જ ‘સર તન સે જુદા’નો ફતવો આવી જશે. આ સાથે જ આરપી સિંઘે કોંગ્રેસ સહિતના તમામ પક્ષોને પણ આડેહાથ લીધા છે.

    નોંધવા જેવું છે કે, TMC ચીફ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મહાકુંભને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે વિધાનસભામાં કહ્યું હતું કે, “તે મહાકુંભ નહીં, પણ મૃત્યુ કુંભ છે.” તેમણે કુંભમાં થયેલી નાસભાગ મુદ્દે યોગી સરકારને ઘેરવા માટે આ પ્રકારનું નિવેદન આપ્યું હતું. હવે દેશભરમાં તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે.