Thursday, March 20, 2025
More

    ‘દેશમાં ગૃહયુદ્ધ સર્જવાનો પ્રયાસ’: લોકસભા ચૂંટણી દરમિયાન કરેલી જાતિગત વસ્તીગણતરી વિશેની ટિપ્પણીઓ મામલે રાહુલ ગાંધી વિરુદ્ધ બરેલીમાં કેસ, કોર્ટે મોકલ્યું તેડું

    બરેલીની (Bareilly) એક કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) સામે દાખલ એક કેસમાં તેમને સમન મોકલ્યું છે. આ કેસ લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ જાતિગત વસ્તીગણતરી પર કરેલી ટિપ્પણીઓને લઈને દાખલ કરવામાં આવ્યો છે. 

    કોર્ટે રાહુલ ગાંધીને આગામી 7 જાન્યુઆરીના રોજ કોર્ટમાં હાજર થવા માટે આદેશ કર્યો છે. કોર્ટમાં દાખલ ફરિયાદમાં રાહુલ ગાંધી વિરુદ્ધ આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમણે જાતિગત ટિપ્પણીઓ કરીને દેશમાં ‘ગૃહયુદ્ધ’ સર્જવાનો પ્રયાસ કર્યો છે. 

    અરજદારે જણાવ્યું કે, “રાહુલ ગાંધીએ ચૂંટણી દરમિયાન જાતિગત વસ્તીગણતરી વિશે આપેલાં નિવેદનો દેશમાં ગૃહયુદ્ધ સર્જવાના પ્રયાસ જેવાં હતાં. અમે પહેલાં એમપી-એમએલએ કોર્ટમાં તેમની સામે કેસ દાખલ કર્યો હતો, પણ ત્યાંથી અરજી રદ કરી દેવામાં આવી. ત્યારબાદ અમે જિલ્લા કોર્ટમાં ગયા અને ત્યાં અપીલ સ્વીકારી લેવામાં આવી છે અને રાહુલ ગાંધીને નોટિસ પણ ફટકારવામાં આવી છે. 

    ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી પહેલાં રાહુલ ગાંધીએ અનેક ઠેકાણે પ્રચાર દરમિયાન જાતિગત વસ્તીગણતરી કરાવીને આર્થિક સરવે કરવાની વાત કહી હતી. જેનો પછીથી ખૂબ વિરોધ પણ થયો હતો. ભાજપે આરોપ લગાવ્યો હતો કે, રાહુલ અને કોંગ્રેસ સત્તામાં આવ્યા બાદ આર્થિક સરવે કરાવીને વધુ સંપત્તિવાળાઓની સંપત્તિની વહેંચણી કરવા માંગે છે.