હૈદરાબાદથી સાંસદ અને AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીને બરેલીની એક કોર્ટે સમન્સ મોકલ્યું છે. તેમની સામે સંસદમાં શપથ લેતી વખતે પેલેસ્ટાઇનના સમર્થનમાં નારા લગાવીને બંધારણનું ઉલ્લંઘન કરવાના આરોપસર કેસ દાખલ કરવામાં આવ્યો છે, જે મામલે જ કોર્ટે તેડું મોકલ્યું છે.
નોંધવું જોઈએ એ લોકસભા ચૂંટણી બાદ સંસદના પ્રથમ સત્રમાં નિયમાનુસાર સાંસદોએ પણ શપથ લેવાના રહે છે. દરમ્યાન, ઓવૈસીએ શપથ લેતી વખતે પેલેસ્ટાઇનના સમર્થનમાં ‘જય ફિલસ્તીન’ નારો લગાવ્યો હતો. જેની ઉપર જે-તે સમયે વિવાદ પણ ઘણો થયો હતો.
આ મામલે પછીથી એક વકીલે બરેલીની એમપી/એમએલએ કોર્ટમાં AIMIM પ્રમુખ વિરુદ્ધ બંધારણના મૂળભૂત સિદ્ધાંતોના ઉલ્લંઘન બદલ ફરિયાદ નોંધાવી હતી. જોકે, જુલાઈ, 2024માં એ રદ થઈ ગઈ હતી. ત્યારબાદ તેમણે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આ મામલે ફરિયાદ દાખલ કરી, જ્યાં અરજી સ્વીકાર થઈ ગઈ અને કોર્ટે ઓવૈસીને સમન્સ પાઠવીને 7 જાન્યુઆરીના રોજ હાજર રહેવા માટે જણાવ્યું છે.
ફરિયાદીનું કહેવું છે કે, ઓવૈસીએ પેલેસ્ટાઇનના સમર્થનમાં નારો લગાવ્યો હતો, જેનાથી તેમની લાગણીને ઠેસ પહોંચી છે.