Sunday, March 9, 2025
More

    અમેરિકાના કેલિફોર્નિયાના BAPS હિંદુ મંદિરમાં તોડફોડ, લખ્યા ભારતવિરોધી નારા 

    અમેરિકામાં એક હિંદુ મંદિરમાં તોડફોડની ઘટના સામે આવી છે. BAPS સ્વામિનારાયણ સંસ્થાના કેલિફોર્નિયાના ચીનો હિલ્સ સ્થિત મંદિરે તોડફોડ કરવામાં આવી અને આપત્તિજનક સંદેશા લખવામાં આવ્યા હતા. 

    સંસ્થાના US સ્થિત સંગઠનના આધિકારિક પેજ પરથી એક X પોસ્ટ કરીને આ બાબતની જાણકારી આપવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું કે, હવે કેલિફોર્નિયાના ચીનો હિલ્સ સ્થિત મંદિરનું અપમાન કરવામાં આવ્યું છે. આ ઘૃણાનો હિંદુ સમુદાય મજબૂતીથી સામનો કરી રહ્યો છે. ચીનો હિલ્સ અને સાઉધર્ન કેલિફોર્નિયાનો સમુદાય એકજૂટ છે અને અમે સાથે મળીને ક્યારેય ઘૃણાને પગપેસારો કરવા દઈશું નહીં. માનવતા અને આસ્થા એ સુનિશ્ચિત કરશે કે શાંતિ જળવાય રહે. 

    અમેરિકા સ્થિત હિંદુ સંગઠન CoHNA દ્વારા પણ એક પોસ્ટ કરવામાં આવી હતી. સાથે એક તસવીર પણ પોસ્ટ કરવામાં આવી, જેમાં મંદિરની દીવાલો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત વિશે આપત્તિજનક નારા લખેલા જોવા મળે છે.

    પોસ્ટમાં ઘટના વિશે જાણકારી આપીને કહેવામાં આવ્યું કે, આટલું બન્યું હોવા છતાં મીડિયા અને બુદ્ધિજીવીઓ એવી દલીલો ચાલુ રાખશે કે હિંદુઘૃણા જેવું કશું હોતું નથી અને હિંદુફોબિયા એ આપણા મગજની ઉપજ છે. સંગઠને આમાં ખાલિસ્તાની એન્ગલ પણ જોડ્યો અને કહ્યું કે કથિત ખાલિસ્તાન રેફરેન્ડમ નજીક છે ત્યારે જ આ ઘટના બની છે એ આશ્ચર્યજનક નથી. 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ અમેરિકા અને કેનેડામાં અનેક હિંદુ મંદિરોને નિશાન બનાવવામાં આવી ચૂક્યાં છે અને મોટાભાગનામાં ખાલિસ્તાન સમર્થકોનો હાથ હોય છે. તાજી ઘટનામાં ખાલિસ્તાન સમર્થકોની ભૂમિકા છે કે નહીં તે હજુ જાણવા મળ્યું નથી.