બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન બાદ હિંદુઓ પર હુમલાઓ સતત વધી રહ્યા છે, પરંતુ ત્યાંની વચગાળાની મોહમ્મદ યુનુસ સરકાર હજુ પણ આ હુમલાઓ ધાર્મિક ઓળખના કારણે થયા હોવાનું સ્વીકારવા તૈયાર નથી અને એ જ રટણ કરતી રહી છે કે તેની પાછળ કારણ ‘રાજકીય’ હતું.
તાજેતરમાં યુનુસ સરકારે એક પોલીસ રિપોર્ટના હવાલે કહ્યું કે, 4 ઑગસ્ટ બાદ લઘુમતી સમુદાયો પર હુમલાની જે ઘટનાઓ જોવા મળી, તે રાજકીય પ્રકૃતિની હતી, સાંપ્રદાયિક નહીં. આ જાણકારી સ્વયં મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસની પ્રેસ ટીમ દ્વારા ફરતી કરવામાં આવી છે.
રિપોર્ટમાં આંકડાઓ આપીને એવું સાબિત કરવામાં આવ્યું છે કે હિંદુઓ પર થતા હુમલા પાછળ કારણ સાંપ્રદાયિક ન હતું.
બાંગ્લાદેશમાં હિંદુવિરોધી હિંસા શરૂ થયા બાદથી જ આ નરેટિવને બળ આપવાના પ્રયાસ કરવામાં આવતા રહ્યા છે. જેમાં દાવો કરવામાં આવે છે કે હિંદુઓ શેખ હસીનાના સમર્થક માનવામાં આવે છે, જેથી તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. જ્યારે અનેક કિસ્સાઓથી સાબિત થઈ ચૂક્યું છે કે હિંદુઓ પર થયેલા હુમલાઓનું કારણ સાંપ્રદાયિક જ હતું.