Sunday, June 22, 2025
More

    અમારા નાગરિકો અમને પાછા કેમ આપો છો!: ભારતે ઘૂસણખોરોનું ડિપોર્ટેશન શરૂ કરતા રડવા લાગ્યું બાંગ્લાદેશ, ડિપ્લોમેટિક નોટ મોકલવાની કરી વાત

    બાંગ્લાદેશે (Bangladesh) ભારત સાથેની સરહદે થતા કથિત ‘ગેરકાયદેસર ધકેલવા’ના (Illegal Push-In) મુદ્દે નવી દિલ્હીને ડિપ્લોમેટિક નોટ (Diplomatic Note) મોકલવાની જાહેરાત કરી છે, પરંતુ આ પગલું ભારત સાથેના સંબંધોમાં તણાવ વધારવાનો અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભ્રામક માહિતી ફેલાવવાનો પ્રયાસ હોવાનું લાગી રહ્યું છે.

    બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે દાવો કર્યો છે કે ભારતીય સરહદી દળો બાંગ્લાદેશી નાગરિકોને ગેરકાયદેસર રીતે પાછા ધકેલી રહ્યા છે, જે આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન છે. જોકે, આ આરોપોની પુષ્ટિ કરતા કોઈ નક્કર પુરાવા બાંગ્લાદેશે હજુ સુધી રજૂ કર્યા નથી.

    બાંગ્લાદેશના વિદેશ મંત્રી હસન માહમુદે જણાવ્યું કે, ભારત-બાંગ્લાદેશ સરહદે થતા ગેરકાયદેસર ધકેલવાની ઘટનાઓથી બંને દેશોના સંબંધો પર અસર પડી શકે છે. તેમણે કહ્યું, “અમે આ મુદ્દે ભારત સાથે ખુલ્લી ચર્ચા કરવા માગીએ છીએ. આવી ઘટનાઓ રોકવા માટે બંને દેશોએ સંયુક્ત રીતે કામ કરવું જોઈએ.”

    બાંગ્લાદેશની આ રાજદ્વારી નોંધને ભારતે હજુ સુધી સત્તાવાર રીતે જવાબ આપ્યો નથી, પરંતુ ભૂતકાળમાં ભારતે આવા આરોપોને નકાર્યા છે અને જણાવ્યું છે કે તેના સરહદી દળો આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન કરે છે.

    નોંધનીય છે કે 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકી હુમલા બાદ ભારતે ઘૂસણખોરો વિરુદ્ધ વ્યાપક અભિયાન શરૂ કર્યું હતું. જે અંતર્ગત બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી શોધીને પરત મોકલવામાં આવ્યા હતા. ત્યારે હવે બાંગ્લાદેશે આ મામલે ડિપ્લોમેટિક નોટ મોકલવાની જાહેરાત કરી છે.