બાંગ્લાદેશનાં પૂર્વ વડાંપ્રધાન શેખ હસીના વિરુદ્ધ તેમના દેશમાં સત્તાવાર રીતે ટ્રાયલ શરૂ કરવામાં આવી છે. તેમની ઉપર કથિત વિદ્યાર્થી આંદોલનને દબાવવા માટે બળપ્રયોગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ટ્રાયલ રવિવારે (1 જૂન) શરૂ કરવામાં આવી.
બાંગ્લાદેશના ઢાકા સ્થિત ઈન્ટરનેશનલ ક્રાઈમ્સ ટ્રિબ્યુનલ (ICT) ખાતે આ ટ્રાયલ શરૂ કરવામાં આવી છે. જેમાં ચીફ પ્રોસિક્યુટર મોહમ્મદ તાજુલ ઇસ્લામે કોર્ટ સમક્ષ દાવો કર્યો કે શેખ હસીનાએ આંદોલનને કચડી નાખવા માટે સુનિયોજિત, વ્યાપક અને યોજનાબદ્ધ રીતે હુમલા કરાવ્યા હોવાના તેમની પાસે પુરાવા છે.
મો. તાજુલ ઇસ્લામે કોર્ટને કહ્યું કે, “આરોપીઓએ ચળવળને દબાવી દેવા માટે તમામ એજન્સીઓને કામે લગાડી હતી અને તેમની પાર્ટીના સભ્યોને પણ છૂટા મૂકી દેવામાં આવ્યા હતા.” આ કેસમાં શેખ હસીના ઉપરાંત પૂર્વ પોલીસ ચીફ ચૌધરી અબ્દુલ્લા અને પૂર્વ ઇન્ટિરિયર મિનિસ્ટર (ભારતના ગૃહમંત્રી સમકક્ષ) અસદુઝ્જામા ખાનને પણ આરોપી બનાવ્યા છે. અબ્દુલ્લા હાલ કસ્ટડીમાં છે. બાકીના બંને દેશની બહાર.
પ્રોસિક્યુટરે આ તમામ વિરુદ્ધ દુષ્પ્રેરણા, ઉશ્કેરણી, ગુનામાં ભાગીદારી, ગુનાને પ્રોત્સાહન, ષડ્યંત્ર અને જુલાઈ 2024ના કથિત આંદોલન દરમિયાન થયેલી હત્યાઓને રોકવામાં નિષ્ફળતા વગેરે જેવા આરોપો લગાવ્યા છે.
આમ તો આ ટ્રાયલ સ્પષ્ટ રીતે શેખ હસીના ફરી ક્યારેય સત્તામાં ન આવી શકે તેની ગોઠવણ કરવાના ભાગરૂપે શરૂ કરવામાં આવી હોવાનું સ્પષ્ટ જણાય છે, પરંતુ આવા આરોપો ન લાગે તે માટે સરકાર પહેલેથી જ ચોખવટ કરવા માંડી છે. પ્રોસિક્યુટરે કોર્ટમાં કહ્યું કે, આ કેસ બદલાની ભાવનાથી ચલાવવામાં નથી આવી રહ્યો, પરંતુ વાત ન્યાયની છે. સાથે એવું પણ ઉમેર્યું કે એક લોકતાંત્રિક દેશમાં માનવતા વિરુદ્ધ અપરાધને કોઈ સ્થાન ન હોવું જોઈએ. જ્યારે હકીકત એ છે કે શેખ હસીનાની સરકાર પડી ભાંગ્યા બાદ બાંગ્લાદેશમાં હજારો હિંદુઓને મારવામાં આવ્યા, પ્રતાડિત કરવામાં આવ્યા, પરંતુ ત્યાં યુનુસ સરકારને આવી સૂફિયાણી વાતો સૂઝતી નથી.