Monday, April 14, 2025
More

    બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર 13 નવેમ્બરે યોજાશે પેટાચૂંટણી: 23 નવેમ્બરે મળશે નવા ધારાસભ્ય

    દેશમાં આગામી સમયમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીઓને (Assembly Elections) લઈને ચૂંટણીપંચે આજે એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેઓએ મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણીઓની તારીખો જાહેર કરી છે. સાથે જ ગુજરાતની ખાલી પડેલી વાવ વિધાનસભા (Vav banaskantha) બેઠક માટે પેટાચૂંટણી માટેની તારીખો પણ જાહેર કરાઈ છે.

    2024ની લોકસભા ચૂંટણીમાં વાવના કોંગ્રેસના ચાલુ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર (geniben Thakor) લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. ત્યારથી આ બેઠક ખાલી પડેલી છે. ચૂંટણીપંચે જાહેર કર્યું છે કે 13 નવેમ્બરના રોજ બનાસકાંઠાની આ બેઠક પર પેટાચૂંટણી યોજાશે. તેનું પરિણામ અન્ય રાજ્યોના પરિણામની સાથે જ એટલે કે 23 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.

    નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં (Maharashtra) આગામી 20 નવેમ્બરના રોજ એક તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. ઝારખંડમાં (Jharkhand) બે તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કામાં 13 નવેમ્બરના રોજ અને બીજા તબક્કામાં 20 નવેમ્બરના રોજ મતદાન થશે. બંને રાજ્યોમાં આગામી 23 નવેમ્બરના રોજ પરિણામો ઘોષિત થશે.