Tuesday, June 24, 2025
More

    ‘બલૂચિસ્તાન હવે નહીં પાકિસ્તાન’- આઝાદીની ઘોષણા સાથે માંગ્યું દુનિયાનું સમર્થન: UNને ઉલ્લેખીને કહ્યું- અમે અમારી પેઢી બચાવવા નીકળ્યા છીએ, આપો અમારો સાથ

    અહેવાલો સામે આવી રહ્યા છે કે બલૂચિસ્તાને (Balochistan) પાકિસ્તાનથી પોતાની સ્વતંત્રતા (independence from Pakistan) જાહેર કરી છે. બલૂચ નેતા મીર યારે જાહેરાત કરી કે હવે બલૂચિસ્તાનના લોકોએ પોતાનો રાષ્ટ્રીય નિર્ણય લઈ લીધો છે. આ નિર્ણય પછી, ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સમર્થન માટે અપીલ કરવામાં આવી છે. તેનાથી પાકિસ્તાનના પ્રોપગેન્ડાનો પણ પર્દાફાશ થયો છે.

    મીર યાર બલોચે X પર બલૂચિસ્તાનનું નવું સૂત્ર પોસ્ટ કરતા લખ્યું, “તમે મારી નાખશો, પણ અમે બહાર આવીશું, અમે અમારી પેઢીને બચાવવા માટે બહાર આવ્યા છીએ, આવો અને અમારી સાથે જોડાઓ.” તેમણે આગળ લખ્યું કે પાકિસ્તાનના કબજા હેઠળના બલૂચિસ્તાનમાં બલોચ લોકો રસ્તાઓ પર ઉતર્યા છે અને તેમનો નિર્ણય છે કે બલૂચિસ્તાન હવે પાકિસ્તાનનો ભાગ નથી અને દુનિયા હવે મૂક પ્રેક્ષક બનીને રહી શકે નહીં. આ પોસ્ટમાં મીર યારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ ટેગ કર્યા છે.

    આ ઉપરાંત, મીર યાર બલોચે ભારત દ્વારા PoK ખાલી કરાવવાને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયે પાકિસ્તાનને તાત્કાલિક પીઓકે ખાલી કરવા વિનંતી કરવી જોઈએ. પાકિસ્તાનને ચેતવણી આપતા તેમણે કહ્યું કે જો તે આ વાત નહીં માને તો 93 હજાર સૈનિકોની ઢાકા જેવી બીજી શરમજનક હાર માટે પાકિસ્તાની સેનાના લોભી સેનાપતિઓ જ જવાબદાર રહેશે. ભારત પાકિસ્તાની સેનાને હરાવવા સક્ષમ છે.