Thursday, December 5, 2024
More

    પાકિસ્તાન: બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ લીધી ક્વેટા રેલવે સ્ટેશન બ્લાસ્ટની જવાબદારી, મૃતકોનો આંકડો 24 પર પહોંચ્યો 

    પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પર શનિવારે (9 નવેમ્બર) એક બૉમ્બ બ્લાસ્ટ થયો હતો, જેમાં 24 વ્યક્તિઓનાં મોત થયાં હતાં અને પચાસથી વધુને ઈજા પહોંચી હતી. આ હુમલાની જવાબદારી બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ લીધી છે. 

    બ્લાસ્ટ રેલવે સ્ટેશનની બુકિંગ ઑફિસ પાસે થયો હતો અને જાણકારી મળી છે તે મુજબ ઘટના સમયે લગભગ સોએક લોકો સ્થળ પર હાજર હતા. પ્રાથમિક જાણકારી મુજબ બ્લાસ્ટ સ્યુસાઇડ અટેક હોવાનું અનુમાન છે, જે મામલે પાકિસ્તાની એજન્સીઓ હાલ તપાસ કરી રહી છે. 

    બલૂચિસ્તાન લિબરેશન આર્મી એક સંગઠન છે, જે પાકિસ્તાનના બલૂચિસ્તાન અને અફઘાનિસ્તાનમાં સક્રિય છે. તેઓ કાયમ પાકિસ્તાનની સેના પર હુમલા કરતા રહે છે. પાકિસ્તાને તેને આતંકવાદી સંગઠન ઘોષિત કર્યું છે. આ સંગઠન બલૂચિસ્તાનને પાકિસ્તાનમાંથી છૂટું પાડવા માટે લડતું રહે છે. 

    એ પણ નોંધવું જોઈએ કે જે પાકિસ્તાન તેની સ્થાપનાથી લઈને આજદિન સુધી આતંકવાદને પોસતું રહ્યું અને પોતાની ધરતીનો ઉપયોગ ભારત વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓને આપવા માટે કરતું રહ્યું તે જ પાકિસ્તાનમાં હવે આવા હુમલાઓ વધી રહ્યા છે. છેલ્લા વર્ષમાં બલૂચિસ્તાન, પેશાવર વગેરે ક્ષેત્રોમાં નાનામોટા હુમલાઓની સંખ્યા વધતી જાય છે.