Thursday, April 17, 2025
More

    તમામ 214 પાક. સૈનિકોને મારી નાખ્યાનો બલોચ આર્મીનો દાવો, કહ્યું- જે બંધકોને છોડાવ્યા હોવાનો દાવો કરી રહી છે પાકિસ્તાની સેના, તેમને અમે જ મુક્ત કર્યા હતા!

    બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ તાજેતરમાં એક નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે તેમણે બંધક બનાવેલા પાકિસ્તાની સેનાના તમામ 214 સૈનિકોને ઠાર કરી દીધા છે. જે પાકિસ્તાની સેનાના એ દાવાને ઉઘાડો પાડે છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે તમામ બલોચ વિદ્રોહીઓને મારીને સેનાએ ટ્રેન છોડાવી લીધી છે અને તમામ બંધકો પણ મુક્ત કરાવવામાં આવ્યા છે. 

    14 માર્ચના એક નિવેદનમાં BLAએ જણાવ્યું કે, સંગઠને પાકિસ્તાનની સેનાને 48 કલાકનું એલ્ટીમેટમ આપ્યું હતું, પરંતુ પાકિસ્તાને કંઈ ન કર્યું અને ઉપરથી સૈન્ય કાર્યવાહી કરવાના પ્રયાસ કર્યા. સાથે BLA એમ પણ કહે છે કે પાકિસ્તાની સેના જમીની સ્તરની વાસ્તવિકતા સ્વીકારવાના અને વાટાઘાટો કરવાના સ્થાને બીજાં જ કાર્યોમાં વ્યસ્ત રહી. 

    BLAએ આગળ કહ્યું કે, પાકિસ્તાનના આ વલણના કારણે તમામ 214 બંધકોને મારી નાખવામાં આવ્યા છે. સાથે એમ પણ કહ્યું કે તેઓ કાયમ આંતરાષ્ટ્રીય નિયમો હેઠળ ચાલ્યા છે અને પાકિસ્તાની સરકારે તેમના કર્મચારીઓનો ઉપયોગ યુદ્ધ ચલાવવા માટે એક ઇંધણ તરીકે કર્યો, જ્યારે તેઓ વાટાઘાટો થકી આ જીવ બચાવી શક્યા હોત. 

    પાકિસ્તાનની સેનાએ 30 બલોચ વિદ્રોહીઓને માર્યા હોવાનો દાવો કર્યો હતો, પરંતુ BLAનું કહેવું છે કે તેમના 12 લડવૈયાઓ મર્યા છે, જે તમામ મજીદ બ્રિગેડના હતા. મજીદ બ્રિગેડ BLAની એક શાખા છે, જેમાં ફિદાયીનોની ભરતી કરવામાં આવે છે. સંગઠને જોકે એમ પણ કહ્યું કે આ તમામ મરવા માટે જ લડ્યા હતા અને પાકિસ્તાને તેમને મારીને કોઈ બહાદુરીભર્યું કામ કર્યું નથી, પરંતુ આ લોકો લડતા-લડતા વીરગતિ પામ્યા છે. તેમનો ઇરાદો પરત ફરવાનો ક્યારેય હતો જ નહીં. 

    BLAએ પાકિસ્તાનના વધુ એક દાવાનો ફુગ્ગો ફોડ્યો છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાનની સેના જે લોકોને બચાવ્યા હોવાનો દાવો કરે છે એ લોકોને વાસ્તવમાં BLAએ જ મુક્ત કર્યા હતા અને એ પણ પહેલા જ દિવસે. ઉલ્લેખનીય છે કે ટ્રેન હાઈજેક કર્યા બાદ BLAએ મહિલાઓ, બાળકો અને અમુક બલોચોને છોડી દીધા હતા. આ લોકોને મીડિયા સામે દેખાડીને પાકિસ્તાન બચાવ્યા હોવાનો દાવો કરતું રહ્યું છે. 

    BLAએ વધુમાં જણાવ્યું છે કે બોલાનના પહાડોમાં હજુ પણ સંગઠન અને પાકિસ્તાની સેના વચ્ચે અનેક ઠેકાણે અથડામણ ચાલી રહી છે અને તેઓ બહાદુરીપૂર્વક લડી રહ્યા છે.