Tuesday, April 22, 2025
More

    બહરાઈચમાં બુલડોઝર ગરજે તે પહેલાં જ ફફડાટ: સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવાયા, માનવાધિકાર આયોગ પહોંચ્યો મામલો

    ઉત્તર પ્રદેશના બહરાઈચમાં (Bahraich) હિંદુ યુવાનની હત્યા બાદ હજુ સરકારે અહીં કોઈ બુલડોઝર કાર્યવાહી (Bulldozer Action) કરી નથી પરંતુ મામલો સુપ્રીમ કોર્ટ (Supreme Court) અને માનવાધિકાર આયોગમાં પહોંચી ગયો છે. જાણવા મળ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરીને કાર્યવાહી પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે. 

    ‘લાઇવ લૉ’ અનુસાર, સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને બહરાઈચ હિંસાના આરોપીઓનાં ઘર પર કોઈ કાર્યવાહી ન કરવામાં આવે તે માટે નિર્દેશોની માંગ કરવામાં આવી છે અને આ માટે તાત્કાલિક સુનાવણી હાથ ધરવા માટે વિનંતી કરવામાં આવી છે. 

    UP સરકારની કાર્યવાહી સામે પ્રશ્નો ઉઠાવીને અરજદારોએ નોટિસનો જવાબ આપવા માટે ત્રણ દિવસના સમયની માંગ કરી છે. સાથે એવો પણ દાવો કરવામાં આવ્યો કે બુલડોઝર કાર્યવાહી રવિવારે (20 ઑક્ટોબર) જ હાથ ધરવામાં આવનાર હતી અને નોટિસો તો શુક્રવારે જ મળી છે. 

    બીજી તરફ, અલાહાબાદ હાઈકોર્ટના એક વકીલે માનવાધિકાર આયોગમાં પણ એક અરજી કરીને કાર્યવાહી મામલે હસ્તક્ષેપ કરવા માટે રજૂઆત કરી છે. 

    નોંધવું જોઈએ કે મુખ્ય આરોપી અબ્દુલ હમીદ સહિત કુલ 23 મકાન માલિકોને નોટિસ આપવામાં આવી છે.