Sunday, April 20, 2025
More

    ‘ભારતને સનાતન રાષ્ટ્ર બનાવતા પહેલાં દરેક ગામ-ઘરને બનાવીશું કટ્ટર હિંદુ’: બાગેશ્વરધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ શરૂ કર્યું ‘હિંદુ ક્રાંતિ અભિયાન’

    મધ્યપ્રદેશના બાગેશ્વર ધામના (Bageshwar Dham) પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ (Dhirendra Krishna Shastri) દેશભરમાં હિંદુ ક્રાંતિ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે. ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવા માટે, પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ એક વિડીયો જારી કરીને ‘હિંદુ ક્રાંતિ અભિયાન’ (Hindu Kranti Abhiyan) શરૂ કરવાની જાહેરાત કરી હતી.

    આ વિડીયોમાં તેમણે કહ્યું હતું કે “હિંદુ રાષ્ટ્ર બનાવતા પહેલાં, દરેક ઘર અને ગામમાં કટ્ટર હિંદુ બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે. આ ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે ટીમો બાગેશ્વર ધામથી રવાના થઈ ગઈ છે.” શાસ્ત્રી આ અભિયાનની શરૂઆતને એક નવી ક્રાંતિ તરીકે જુએ છે, જેનો હેતુ સનાતન ધર્મને મજબૂત બનાવવાનો છે.

    ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે જ્યાં વરસાદ નથી ત્યાં પાક બરબાદ થઈ જાય છે અને જ્યાં સનાતન વિધિઓ નથી ત્યાં પેઢીઓ બરબાદ થઈ જાય છે. તેમણે કહ્યું કે આ અભિયાનમાં દરેક ગામમાં એક પ્રભારીની નિમણૂક કરવામાં આવશે, જે મંડલ પ્રભારી સાથે સંકળાયેલા રહેશે.

    તેમના જણાવ્યા અનુસાર આવા 10 ગામોને જોડીને એક વિભાગ બનાવવામાં આવશે જે જિલ્લા પ્રમુખ સાથે જોડાયેલા હશે. બધા પ્રભારીઓએ બાગેશ્વર ધામ આવીને વાત કરવી પડશે. જ્યાં પણ મંડળો સક્રિય હશે ત્યાં કથાઓ પણ કરવામાં આવશે.

    હિંદુ રાષ્ટ્ર બનાવવાની દિશામાં, સૌપ્રથમ સુંદરકાંડ મંડળો બનાવવામાં આવશે. તેમણે કહ્યું “અમે બાગેશ્વર ધામના નામે સુંદરકાંડ મંડળ બનાવીશું. આ મંડળો ગામે-ગામ જશે અને લોકોને સનાતન સાથે જોડીને મંદિરોનો જીર્ણોદ્ધાર કરશે. જેમાં જાતિવાદ અને અસ્પૃશ્યતા અસ્તિત્વમાં નહીં હોય. મંડળના સભ્યો દર મંગળવારે સુંદરકાંડનો પાઠ કરશે અને અસ્પૃશ્યતા જેવા ભેદભાવને સમાપ્ત કરવા માટે વિચાર ગોષ્ઠીઓનું આયોજન કરશે.”