Monday, July 14, 2025
More

    અમદાવાદ પ્લેન ક્રેશમાં ઘાયલ થયેલ B J મેડિકલ કોલેજના 12 વિદ્યાર્થીઓની ફી થઈ માફ: જુનિયર ડોક્ટર્સ એસોસિયેશનની માંગને પગલે ગુજરાત યુનિવર્સિટીનો નિર્ણય

    આ મહિનાની શરૂઆતમાં થયેલ અમદાવાદ પ્લેન ક્રેશ (Ahmedabad plane crash) દુર્ઘટનામાં B J મેડિકલ કૉલેજના (B J Medical College) 4 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા હતા અને બીજા ઘણા ઘાયલ થયા હતા. કૉલેજના જુનિયર ડૉક્ટર ઍસોસિએશન દ્વારા ઘાયલ વિદ્યાર્થીઓની શૈક્ષણિક ફી માફ કરવા માટે ગુજરાત યુનિવર્સિટીને રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે યુનિવર્સિટી દ્વારા એમબીબીએસના 10 અને ફિઝિયોથેરાપીના 1 તેમજ 1 રેસિડેન્ટ ડૉક્ટર સહિત 12 વિદ્યાર્થીઓની સંપૂર્ણ શૈક્ષણિક ફી માફ કરવામાં આવી છે.

    ગુજરાત યુનિવર્સિટી દ્વારા બી. જે. મેડિકલ કૉલેજના ડીનને લખવામાં આવેલા પત્ર મુજબ સરકારના સૂચન અને જુનિયર ડૉક્ટર એસોસિયેશનની રજૂઆતને ધ્યાને લઈને પ્લેન ક્રેશની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા મેડિકલ વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીની સંપૂર્ણ શૈક્ષણિક ફી માફ કરવામાં આવશે. કુલ 12 વિદ્યાર્થીઓની તમામ પ્રકારની શૈક્ષણિક ફી માફ કરવામાં આવી છે. આ 12 વિદ્યાર્થીઓમાં બી. જે. કૉલેજના એમબીબીએસ પ્રથમ વર્ષના બે અને બીજા વર્ષના 8 વિદ્યાર્થીઓ છે. ઉપરાંત એક વિદ્યાર્થી ફિઝિયોથેરાપીના ફાઇનલ વર્ષનો છે.

    મૃત્યુ પામેલ વિદ્યાર્થીઓની ફી કરાશે પરત

    બી. જે. મેડિકલ કૉલેજ મેનેજમેન્ટના જણાવ્યા મુજબ કૉલેજના એમબીબીએસના પ્રથમ વર્ષના જે 4 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા છે તેઓની શૈક્ષણિક ફી પરત કરવા માટે પણ રજૂઆત કરવામાં આવશે અને ફી પરત કરાશે. જ્યારે સરકારી કૉલેજ હોવાથી સરકાર દ્વારા લેવાતી વાર્ષિક ટ્યુશન ફી પણ પરત કરવા માટે સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે.