અયોધ્યામાં ભગવાન રામને સૂર્યતિલક કરવામાં આવ્યું છે. રામનવમીના પાવન પર્વ પર ભગવાન રામને ભગવાન સૂર્યે પોતાના તેજથી તિલક કર્યું છે. લાખો શ્રદ્ધાળુઓ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા છે. રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા બાદ રામલલાનું આ બીજું સૂર્ય તિલક છે. બપોરે 12 કલાકે અભિજીત મુહૂર્તમાં 4 મિનિટ સુધી ભગવાન સૂર્યનારાયણે જગતપિતાને સૂર્યતિલક કર્યું છે.
#WATCH | Surya Tilak on Ram Lalla’s forehead at the Ram Janmabhoomi Temple on the occasion of #RamNavami pic.twitter.com/jmtmldlWxM
— DD News (@DDNewslive) April 6, 2025
સૂર્યતિલકની સાથે શંખનાદ અને વૈદિક મંત્રોચ્ચારની ધ્વનિ પણ અયોધ્યામાં ગુંજી ઉઠી છે. હવે ભગવાન રામના જન્મની ઉજવણી કરવામાં આવી રહી છે. મંદિરમાં આરતી પણ થઈ રહી છે. સૂર્યતિલક પહેલાં મંદિરના કપાટ થોડા સમય માટે બંધ કરવામાં આવ્યા હતા. ગર્ભગૃહની લાઇટ પણ બંધ બંધ કરી દેવામાં આવી હતી. ‘જય જય શ્રીરામ’ જયઘોષ સાથે ભગવાન રામલલાનું સૂર્યતિલક સંપન્ન થઈ ગયું છે.
હાલ સુધીમાં 5 લાખ શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચી ચૂક્યા છે. રામ જન્મભૂમિ મંદિરમાં લાંબી કતારો લાગી છે. આ પહેલાં સવારે 9 કલાકે રામલલાનું પંચામૃત સ્નાન પણ સંપન્ન થયું હતું. હાલ મોટી સંખ્યામાં સુરક્ષાદળના જવાનોને પણ ખડકી દેવામાં આવ્યા છે. સૂર્યતિલકની સાથે જ અયોધ્યામાં ભગવાન શ્રીરામના જન્મોત્સવની તૈયારી શરૂ થઈ ગઈ છે.