Wednesday, March 26, 2025
More

    નવરાત્રિના નવ દિવસ અયોધ્યામાં બંધ રહેશે માંસની દુકાનો: યોગી સરકારનો આદેશ, ઉલ્લંઘન પર થશે કઠોર કાર્યવાહી

    ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યામાં નવરાત્રિના નવ દિવસ દરમિયાન માંસની દુકાનો બંધ રાખવા માટે આદેશ આપ્યો છે. જે અનુસાર, 3 ઑક્ટોબરથી 11 ઑક્ટોબર સુધી આ આદેશ લાગુ રહેશે. 

    અધિકારીક આદેશ અનુસાર, જે આ આદેશોનું પાલન ન કરે તેમની વિરુદ્ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. 

    અયોધ્યાના આસિસ્ટન્ટ કમિશનર (ફૂડ) દ્વારા મંગળવારે (1 ઑક્ટોબર) આ આદેશ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું કે, આગામી નવરાત્રિ પર્વને જોતાં દિનાંક 3 ઑક્ટોબર, 2024થી 11 ઑક્ટોબર, 2024 સુધી અયોધ્યામાં બકરા, મરઘાં, માછલી કે તમામ માંસની દુકાનો બંધ રહેશે. 

    સાથે એમ પણ જણાવવામાં આવ્યું કે જો સમાન્ય નાગરિકોને આ દુકાનો ચાલુ રહેતી જણાય તો તેઓ આપેલા નંબર પર કૉલ કરીને જાણકારી આપે. તેમજ જો આદેશનું પાલન ન કરવામાં આવે તો ખાદ્ય કારોબારકર્તાઓ વિરુદ્ધ ખાદ્ય સુરક્ષા અને માનક અધિનિયમ-2006 હેઠળ કઠોર કાર્યવાહી કરવામાં આવશે. 

    ઉલ્લેખનીય છે કે અયોધ્યા પ્રભુ શ્રીરામની નગરી તરીકે ઓળખાય છે અને જગતભરના હિંદુઓની આસ્થા આ નગરી સાથે જોડાયેલી છે. અહીં જ પવિત્ર હિંદુ મંદિરો પૈકીનું એક રામ મંદિર પણ સ્થિત છે, જ્યાં જાન્યુઆરી, 2024માં જ પ્રભુ બિરાજમાન થયા. જેમના દર્શનાર્થે વિશ્વભરમાંથી હિંદુઓ આવી રહ્યા છે.